T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં રોહિત શર્માએ MS ધોનીનો રેકોર્ડ તોડ્યો

PC: Iicc-cricket.com

T20 વર્લ્ડ કપ 2024માં ભારતની વિજયી શરૂઆત સાથે કેપ્ટન રોહિત શર્માએ MS ધોનીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. હિટમેન હવે T20I ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. હા, કેપ્ટન તરીકે રોહિત શર્માએ સૌથી વધુ T20I મેચ જીતવાના મામલે પૂર્વ કેપ્ટન MS ધોનીને પાછળ છોડી દીધો છે. ભારતને પ્રથમ અને એકમાત્ર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર માહીના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 41 મેચ જીતી હતી, જ્યારે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે હવે 42 મેચ જીતી છે. હિટમેન હેઠળ આયર્લેન્ડ સામે ભારતની 42મી જીત હતી.

2017માં પ્રથમ વખત ભારતીય T20 ટીમનું નેતૃત્વ કરનાર રોહિત શર્માએ અત્યાર સુધી ભારતને 55માંથી 42 મેચમાં જીત અપાવી છે. તેની જીતની ટકાવારી અન્ય ભારતીય કેપ્ટનો કરતા ઘણી વધારે રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે તેની 77.27 ટકા મેચો જીતી છે, જ્યારે આ રેકોર્ડ ધોનીના નેતૃત્વમાં 59.28 ટકા અને વિરાટ કોહલીની કપ્તાનીમાં 64.58 ટકાનો છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે રમાયેલી 72 મેચમાંથી 41માં જીત મેળવી છે, જ્યારે ટીમ ઈન્ડિયા આ સમયગાળા દરમિયાન 28 મેચ હારી છે.

જો વિરાટ કોહલીની વાત કરીએ તો, પૂર્વ ભારતીય કેપ્ટને 50 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે જેમાં તે 30 મેચમાં સફળ રહ્યો છે અને 16 મેચમાં નિષ્ફળ રહ્યો છે.

હિટમેનની નજર હવે વિશ્વ ક્રિકેટમાં સૌથી સફળ T20I કેપ્ટન બનવા પર છે. હાલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે છે. બાબરના નેતૃત્વમાં પાકિસ્તાને સૌથી વધુ 46 મેચ જીતી છે. બાબર અને રોહિત વચ્ચે માત્ર 4 મેચનો તફાવત છે.

T20Iમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટનઃ 46-બાબર આઝમ (81), 44-બ્રાયન મસાબા (57), 42-અસગર અફઘાન (52), 42-ઇઓન મોર્ગન (72), 42-રોહિત શર્મા (55)*, 41-MS ધોની (72), 40-એરોન ફિન્ચ (76).

મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા ઈચ્છતો હતો કે, ટીમના ખેલાડીઓ વધુમાં વધુ સમય મેદાન પર વિતાવે. જોકે, આયરિશ ટીમે માત્ર 16 ઓવરમાં જ ભારતીય ટીમની સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. આયર્લેન્ડ માત્ર 96 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. હાર્દિક પંડ્યા ટીમનો સૌથી સફળ બોલર હતો, જેણે 3 વિકેટ લીધી હતી જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને 2-2 સફળતા મળી હતી.

97 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 12.2 ઓવરમાં જ જીતી ગઈ હતી. રોહિત શર્માએ 52 રનની ઇનિંગ રમી હતી જ્યારે નંબર-3 પર આવેલા રિષભ પંતે અણનમ 36 રન બનાવ્યા હતા.

ભારતની આગામી મેચ 9 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp