નારાયણને એક વર્ષથી ટીમમાં પાછા ફરવા માટે સમજાવી રહ્યો છે પોવેલ, ફોન બ્લોક....
આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણા રનનો વરસાદ થઈ રહ્યો છે. ચોગ્ગા અને છગ્ગાના રેકોર્ડ બની રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ પ્રકારના રેકોર્ડ બનાવનારા બેટ્સમેનોમાં યુવાઓ ઉપરાંત સિનિયર અને રિટાયર્ડ ક્રિકેટરો પણ સામેલ છે. સુનીલ નારાયણને જ લો. સ્પેશિયાલિસ્ટ બોલર હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી બેટિંગમાં તરખાટ મચાવી રહ્યો છે. કદાચ નરેનની બેટિંગને કારણે જ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલ તેને નિવૃત્તિમાંથી ટીમમાં પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
35 વર્ષીય સુનીલ નારાયણ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. તેણે મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે 109 રનની ઇનિંગ રમી હતી. KKR માટે ઓપનરની ભૂમિકા ભજવી રહેલા સુનીલ નારાયણે 49માં બોલ પર જ પોતાની સદી પૂરી કરી હતી. સુનીલ નારાયણ 276 રન સાથે ઓરેન્જ કેપની યાદીમાં ત્રીજા સ્થાને છે. હાલમાં IPL 2024માં રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, જોસ બટલર, ડેવિડ વોર્નર, ક્વિન્ટન D કોક જેવા બેટ્સમેન કરતાં વધુ રન સુનીલ નારાયણના નામે છે.
સુનીલ નારાયણે ગયા વર્ષે નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 6 ટેસ્ટ, 65 ODI અને 51 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. IPLમાં પોતાની પ્રથમ સદી ફટકાર્યા પછી જ્યારે તેને તેની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'હવે જે કંઈ છે તે બધાની સામે છે. પરંતુ જુઓ, ભવિષ્યમાં શું થાય છે તે.'
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન રોવમેન પોવેલ પણ રમી રહ્યો હતો. તેણે સુનીલ નારાયણના બોલ પર 2 સિક્સર અને 1 ફોર પણ ફટકારી હતી. મેચ પછી તેણે પોતાની રમતની સાથે સાથે સુનીલ નારાયણની નિવૃત્તિ વિશે વાત કરી હતી. પોવેલે કહ્યું, 'હું એક વર્ષથી સુનીલને આ વાત જણાવી રહ્યો છું, પરંતુ એવું લાગે છે કે, તેણે મને બ્લોક જ કરી દીધો છે. મેં કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, નિકોલસ પૂરન દ્વારા મારા વિચારો સુનીલ સુધી પહોંચાડ્યા છે. આશા છે કે, આ વર્ષે જૂનમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ટીમ પસંદ કરે ત્યાં સુધીમાં આ વસ્તુઓ ઉકેલાઈ જશે.'
મેચની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સના 224 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સ ટીમ 13મી ઓવરમાં છ વિકેટે 121 રન બનાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ટીમના ઓપનર જોસ બટલરે (107 રન, 60 બોલ) હાર ન માની. તેણે અણનમ સદી ફટકારીને પોતાની ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી.
આ પહેલા KKRના ઓપનર સુનીલ નારાયણે શાનદાર સદી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરી અને 56 બોલમાં 109 રન બનાવ્યા, જેના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ 6 વિકેટે 223 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp