તેંદુલકરે વચન નિભાવ્યું, દિવ્યાંગ ફેનને ગિફ્ટમાં આપી બેટ, જુઓ વાયરલ વીડિયો
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકર માટે ફેન્સ ખૂબ મહત્ત્વ ધરાવે છે, આ જ કારણ છે કે સચિન તેંદુલકર ફેન્સને જે વાયદો કરે છે, તેને નિભાવે છે. હાલમાં જ સચિન તેંદુલકરે પોતાના પરિવાર સાથે કાશ્મીરનો પ્રવાસ કર્યો અને પોતાના એક જબરા ફેન સાથે મુલાકાત કરી. આ ફેન કોઈ બીજું નહીં, પરંતુ દિવ્યાંગ ક્રિકેટર આમીર હુસેન છે, જેનો થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો. આમીરના બંને હાથ નથી. તે ગળા અને ખભા વચ્ચે બેટ ફસાવીને બેટિંગ કરે છે.
ઘણા વર્ષ અગાઉ બાળપણમાં એક અકસ્માતમાં આમીરે પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા, પરંતુ એ છતા તેના ઝનૂનમાં કોઈ કમી ન આવી. સખત મહેનતના દમ પર આમીર જમ્મુ-કાશ્મીર પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. હાલમાં જ આમીરનો ગળા અને ખભા વચ્ચે બેટ ફસાવીને બેટિંગ કરવાનો વીડિયો વાયરલ થયો, તો સચિન તેંદુલકરે પોતાના આ ફેનના ઝનૂનના ભરપેટ વખાણ કર્યા હતા. એ વાયરલ વીડિયોમાં આમીરે સચિન તેંદુલકરને પોતાના ફેવરિટ બતાવ્યા હતા. આ વીડિયો પર રીએક્ટ કરતા સચિન તેંદુલકરે તેની સાથે જલદી મુલાકાત કરવાની વાત કહી હતી અને હવે તેમણે પોતાનો વાયદો નિભાવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ એક વીડિયોમાં સચિન તેંદુલકર ન માત્ર આમીરને, પરંતુ તેના ગામમાં રમનારાઓને પણ ક્રિકેટ બેટ ગિફ્ટ આપતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં સચિન તેંદુલકર કહી રહ્યા છે કે આ બેટ મારી તરફથી આખા ગામના લોકો માટે. બધાને કહેજો કે મન લગાવીને રમે અને મજા કરે. તેના જવાબમાં આમીર કહે છે એ તમે એટલું બધુ કર્યું છે અમારા માટે એ જ ઘણું છે.' વીડિયોમાં સ્પષ્ટ નજરે પડે છે કે આમીર સચિનને જોતા જ ભાવુક થઈ જાય છે અને ત્યારબાદ માસ્ટર બ્લાસ્ટર જબરા ફેન આમીરના ઝનૂનના વખાણ કરતા નજરે પડી રહ્યા છે.
ત્યારબાદ સરપ્રાઈઝ આપતા આમીરને એક બેટ ભેટ આપે છે. અંતે આમિર સાથે સચિન પોતાના ફેવરિટ શૉ કવર ડ્રાઈવ લગાવતા પણ નજરે પડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રહેવાસી આમીર હુસેન લોને માત્ર 8 વર્ષની ઉંમરમાં એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા, પરંતુ આ અકસ્માત બાદ પણ તેમની ક્રિકેટ પ્રત્યે દીવાનગી ઓછી થઈ નથી. સચિન તેંદુલકરના જબરા ફેન આમીર હુસેન આજે ક્રિકેટર બનવાની ચાહત રાખનારા બધા યુવાઓ માટે પ્રેરણારૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp