ઇયાન ચેપલના આ નિવેદનથી હર્ટ થઈ શકે છે શ્રેયસ ઐય્યર, કુલદીપને મળી વાહવાહી
5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ મેદાન પર રમાવાની છે. સીરિઝ બચેલી 3 ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમમાં શ્રેયસ ઐય્યર સામેલ નથી. બીજી ટેસ્ટ સમાપ્ત થયા બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે શ્રેયસ ઐય્યરને પીઠમાં જકડાશ છે, જ્યારે ગ્રોઇન એરિયામાં પણ તેને દર્દ અનુભવાઈ રહ્યું છે અને આ કારણે તેને બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર કરી શકાય છે.
બાકી 3 ટેસ્ટ મેચો માટે ટીમની જ્યારે જાહેરાત થઈ તો તેમાં શ્રેયસ ઐય્યરનું નામ નહોતું, પરંતુ સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેની ઇજા પર પણ કોઈ અપડેટ નહોતું. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યા કે, શ્રેયસ ઐય્યરને ઇજાના કારણે નહીં, પરંતુ તેના ખરાબ પ્રદર્શનના કારણે ટીમથી બહાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે ભારતીય ટીમમાં હાલના કેપ્ટન રોહિત શર્મા અને સિલેક્ટર્સને એક મહત્ત્વની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે, શ્રેયસ ઐય્યરની બેટિંગને લઈને વધુ આશાવાદી થવાની જરૂરિયાત નથી. ઇયાન ચેપલે એક સ્પોર્ટ્સ વેબસાઇટ પર પોતાની કોલમમાં લખ્યું કે, ઈન્ડિયા મજબૂત ટીમ છે અને રોહિત શર્માના રૂપમાં તેની પાસે સારો કેપ્ટન છે. તેમણે આગળ કહ્યું કે, રવીન્દ્ર જાડેજા અને કે.એલ. રાહુલની વાપસીથી તેમની ટીમને વધુ મજબૂતી મળશે. પરંતુ વિરાટ કોહલી આખી સીરિઝમાં વાપસી નહીં કરે, એ ઝટકો છે. આશા રાખું છું કે સિલેક્ટર્સ હવે શ્રેયસ ઐય્યરની બેટિંગને લઈને વધુ આશાવાદી નહીં હોય અને કુલદીપ યાદવની વિકેટ લેવાની ક્ષમતાની વેલ્યૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યરે ICC વર્લ્ડ કપ 2023માં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ઇજા બાદ જ્યારથી તેણે વાપસી કરી છે, ત્યારથી તે કંઇ ખાસ લયમાં નજરે પડ્યો નથી. સીરિઝની પહેલી 2 મેચોની 4 ઇનિંગમાં શ્રેયસ ઐય્યરે માત્ર 104 રન જ બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં શ્રેયસ ઐય્યરની બેટિંગની વાત કરીએ તો તેણે છેલ્લી 13 ઇનિંગમાં એક પણ 50+ સ્કોર બનાવ્યો નથી.
અંતિમ 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બૂમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp