શેન વોટસને પાકિસ્તાનની કરોડોની આ ઓફર ઠુકરાવી... હવે IPLમાં...

PC: enavabharat.com

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી મળેલી ઓફરને ફગાવી દીધી છે. PCB ઈચ્છતું હતું કે, વોટસન મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પાકિસ્તાન ટીમનો મુખ્ય કોચ બને. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, PCBએ વોટસનને વાર્ષિક 2 મિલિયન ડોલર (અંદાજે 16.57 કરોડ ભારતીય રૂપિયા)ની ઓફર કરી હતી.

જો શેન વોટસન પાકિસ્તાની ટીમનો કોચ બન્યો હોત તો, તેણે અન્ય ભૂમિકાઓ પરથી હટી જવું પડત. અહીં તમને જણાવી દઈએ કે, વોટસને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોમેન્ટ્રી ડીલ કરી છે. તે આગામી IPL સિઝનમાં કોમેન્ટ્રી પણ કરી શકે છે. આવી સ્થિતિમાં વોટસને તેની કોચિંગ અને કોમેન્ટ્રીની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. વોટસન ક્વેટા ગ્લેડીયેટર્સ, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ સાથે કોચ તરીકે પણ સંકળાયેલા છે.

પાકિસ્તાને એપ્રિલ મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T-20 શ્રેણી રમવાની છે. તે પછી ઈંગ્લેન્ડ સામે T20 મેચ રમવાની સાથે તેણે T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લેવાનો છે. વોટસનને લઈને છેલ્લા અઠવાડિયાથી અટકળો લગાવવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે, તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL) દરમિયાન આ ઓફર પર ગંભીરતાથી વિચાર કર્યો હતો અને તે પાકિસ્તાની ખેલાડીઓ સાથે કામ કરવાની સંભાવનાથી ઉત્સાહિત હતો.

શેન વોટસનને ગયા વર્ષના અંતમાં ક્વેટા ગ્લેડીયેટર્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે 2019માં એક ખેલાડી તરીકે ગ્લેડીયેટર્સ સાથે PSL ટાઇટલ જીત્યું હતું. ગ્લેડીયેટર્સે PSL 2024માં ખૂબ જ મજબૂત શરૂઆત કરી હતી અને પ્રથમ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. જો કે, તેઓ ટુર્નામેન્ટના અંત તરફ જતા તેની રિધમ ગુમાવી અને શુક્રવારે ઇસ્લામાબાદ યુનાઇટેડ સામે હારી ગયા હતા.

42 વર્ષીય શેન વોટસને ઓસ્ટ્રેલિયા માટે 59 ટેસ્ટ, 190 ODI અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. વોટસને ટેસ્ટમાં 3731 અને વનડેમાં 5757 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 1462 રન નોંધાયેલા છે. વોટસને ટેસ્ટમાં 75, વનડેમાં 168 અને T20 ઈન્ટરનેશનલમાં 48 વિકેટ લીધી હતી. વોટસન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp