ધવન-આયેશાના છૂટાછેડા મંજૂર,કોર્ટે કહ્યુ- શીખરને પત્નીએ માનસિક પીડા આપી, દીકરો...

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે. દિલ્હીના પટિયાલા હાઉસ સંકુલમાં આવેલી ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે શિખર ધવનની પત્નીએ ધવનને તેના એકમાત્ર પુત્રથી વર્ષોથી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી.

ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા. ફેમિલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ધવનની પત્નીએ કાં તો ઉપરોક્ત આરોપોનો વિરોધ કર્યો નથી અથવા પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે.

ધવને છૂટાછેડાની અરજીમાં કહ્યું હતું કે, તેની પત્નીએ તેને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો હતો. કોર્ટે ધવન દંપતીના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ધવનને વાજબી સમયગાળા માટે ભારત અને ઓસ્ટ્રેલિયામાં તેના પુત્રને મળવાનો અને તેની સાથે વીડિયો કોલ પર વાતચીત કરવાનો અધિકાર પણ આપ્યો હતો.

કોર્ટે ધવનની પત્ની આયેશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે રાત્રિ રોકાણ સહિત મુલાકાતના હેતુઓ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે અરજદાર શિખર ધવન પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેને એક નાગરિક અને જવાબદાર પિતા તરીકેના પણ અધિકારો છે. આ ઉપરાંત, કોર્ટ બાળકના પિતા અને પરિવારની સંગતમાં રહેવાના અધિકારનું પણ ધ્યાન રાખે છે.

37 વર્ષીય શિખર ધવનને ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. હાલમાં ક્રિકેટમાં તેના માટે સમય સારો નથી ચાલી રહ્યો. તે ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી: T20 ઈન્ટરનેશનલ-68 મેચ, 1759 રન, 27.92 એવરેજ, 11 અડધી સદી, ODI ઈન્ટરનેશનલ-167 મેચ, 6793 રન, 44.11 એવરેજ, 17 સદી અને 39 અડધી સદી, ટેસ્ટ ક્રિકેટ-3215 રન, 40.61 એવરેજ, 7 સદી અને 5 અડધી સદી, IPL-217 મેચો, 6616 રન, 35.19 એવરેજ, 2 સદી અને 50 અડધી સદી.

એવું કહેવાય છે કે, શિખર ધવને આયેશાને હરભજન સિંહની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં જોઈ હતી અને તેની તસવીર જોતા જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી શિખરે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બંને વચ્ચે વાતચીત થઈ અને તેઓ ફેસબુક પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા. શિખર આયેશા કરતા 10 વર્ષ નાનો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

બંનેએ 2009માં સગાઈ કરી હતી. આ પછી ધવને 2012માં આયેશા સાથે લગ્ન કર્યા. શિખરના આ પહેલા લગ્ન હતા, પરંતુ આયેશાના બીજા લગ્ન હતા. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા, જે તૂટી ગયા હતા. આયેશા અને તેના પહેલા પતિને બે દીકરીઓ છે જેનું નામ રિયા અને આલિયા છે. જેમની ઉંમર 21 અને 17 વર્ષની છે. શિખર અને આયેશાને જોરાવર નામનો પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp