શું ધોની ટીમ ઈન્ડિયાનો કોચ બનવો જોઈએ? કોહલીના કોચે BCCIને કરી આ વિનંતી

PC: hindi.sportzwiki.com

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચની ભૂમિકા માટે અરજી કરવાની સત્તાવાર અંતિમ તારીખ IPL 2024ની ફાઈનલના એક દિવસ પછી 27 મે (સોમવારે) સમાપ્ત થઈ. આ પોસ્ટ માટે કોઈ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો સંપર્ક કરવામાં આવ્યો નથી. BCCIએ અરજી કરનારા નામો અંગે મૌન જાળવી રાખ્યું છે. BCCI સેક્રેટરી જય શાહના નિવેદનો પર નજર કરીએ તો, રાહુલ દ્રવિડના સ્થાને કોઈ ભારતીય જ નવો કોચ બની શકે છે. અહેવાલોથી જાણવા મળ્યું છે કે, તે ગૌતમ ગંભીર હોવાની સંભાવના છે. જો કે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પોતાની અલગ સલાહ આપી છે.

દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાએ કોચ પદ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ રજૂ કર્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'સૌથી પહેલા તો એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ પોસ્ટ માટે કયા નામો અરજી કરે છે. હું ઈચ્છું છું કે, જે કોઈ પણ કોચ બને તે ભારતીય બને. જો મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ જાહેર કરે તો તે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. MS ધોનીએ ઘણું ક્રિકેટ રમ્યું છે અને મોટી ટુર્નામેન્ટ જીતી છે.'

રાજકુમાર શર્માએ કહ્યું કે, MS ધોનીનું ડ્રેસિંગ રૂમમાં પણ ઘણું સન્માન છે. તે બે વર્લ્ડ કપ ટ્રોફી સાથે સમ્માનીય કેપ્ટન છે. જ્યારે તેણે કેપ્ટનશીપ સંભાળી ત્યારે ભારતીય ટીમ ઘણા મોટા નામોથી ભરેલી હતી અને ધોનીએ દરેક વસ્તુઓને ખૂબ સારી રીતે સંભાળી હતી. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે. તે ફરીથી આ પદ મેળવવા માંગતો નથી.

રાજકુમાર શર્માએ કહ્યું, 'MS ધોનીને ડ્રેસિંગ રૂમમાં વધુ સન્માન મળશે અને તે લાંબા સમયથી આ ફોર્મેટમાં રમ્યો છે. ટીમને માટે યોગ્ય રીતે પ્લાનિંગ અને મેનેજ કરવા સક્ષમ હોવું એ ટીમમાં સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે ધોની કેપ્ટન બન્યો ત્યારે તેમાં અનેક મોટા ખેલાડીઓ હતા. તે ટીમમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, હરભજન સિંહ, અનિલ કુંબલે, ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ હાજર હતા, તેમ છતાં MS ધોનીએ ટીમને શાનદાર રીતે સંભાળી હતી.' MS ધોની 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો માર્ગદર્શક (મેન્ટર) હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp