ઝિમ્બાબ્વે સામે હાર બાદ જાણો શુભમન ગીલે શું કહ્યું
ઝિમ્બાબ્વે સામે શરમજનક હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીલે કહ્યું હતું કે, મેચમાં અડધી ઈનિંગ પતવા સુધીમાં અમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો હું અંત સુધી ક્રીઝ પર ટકી ગયો હોત તો સારું થાત. હું જે રીતે આઉટ થયો અને મેચ જે રીતે આગળ વધી એનાથી હું ખૂબ નિરાશ છું. અમારા માટે થોડી આશા હતી, પરંતુ 115 રનના લક્ષ્યાંકનો પીછો કરતા જો તમારો 10 નંબરનો ખેલાડી મેદાન પર હોય તો તમને ખબર પડી જાય છે કે, કંઈક ગડબડ છે. અમે સમય લેવાની અને બેટિંગનો આનંદ ઉઠાવવાની વાત કરી હતી, પરંતુ એવું ન થઈ શક્યું. અમે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું તેના હિસાબે ન રમી શક્યા. અમે થોડા ફસાયેલા લાગી રહ્યા હતા.
જો ટીમ ઇન્ડિયા આ 3 ભૂલો ફરી ન કરે તો આજે જીતી શકે છે
T-20 વર્લ્ડ કપની વર્લ્ડ ચેમ્પિયન બન્યાના થોડા દિવસો પછી ભારતીય ક્રિકેટ ટીમને ઝિમ્બાબ્વેએ આ ફોર્મેટમાં હરાવીને ચોંકાવી દીધું હતું. જો કે વર્લ્ડ કપમાં રમનાર ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી કોઈ પણ આ ટીમનો ભાગ નહોતું, શુભમન ગીલની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ ચોક્કસપણે એવા ખેલાડીઓથી સજ્જ હતી જેમણે IPLમાં સારું પ્રદર્શન કર્યું હતું. શનિવારે, ઝિમ્બાબ્વેએ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 13 રને હરાવ્યું અને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી. આજે શ્રેણીની બીજી મેચ રમાશે, જેમાં જીત મેળવીને ભારતીય ટીમ વળતો પ્રહાર કરવા પર રહેશે.
T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. શુભમન ગીલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હરારેમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 102 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જો ટીમ ઈન્ડિયા પોતાની ત્રણ ભૂલો નહીં સુધારે તો બીજી T20 મેચમાં પણ તેને હારનો સામનો કરવો પડી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી મેચ રવિવારે રમાશે.
સૌથી પહેલા ભારતીય ઓપનરોએ ટીમને સારી શરૂઆત આપવી પડશે. ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં અભિષેક શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. ગીલ સાથે ઓપનિંગ કરવા આવ્યા હતા. ગીલ પણ 31 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તે આ મેચમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જો ભારત બીજી મેચમાં સારી શરૂઆત નહી કરે તો તેને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરે પણ અજાયબીઓ કરવી પડશે. જો ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ફરી ફ્લોપ થશે તો મેચ જીતવી મુશ્કેલ બની જશે. રિંકુ સિંહ પ્રથમ મેચમાં 5મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે રિયાન પરાગ 2 રન બનાવીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ પણ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમે બેટિંગ પર ધ્યાન આપવું પડશે.
ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગની સાથે બોલિંગ પર પણ ધ્યાન આપવું પડશે. પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ 90 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ભારતીય બોલરો છેલ્લી જોડીને આઉટ કરી શક્યા ન હતા. જેના કારણે લગભગ 25 રન વધુ બન્યા હતા. આ 25 રન ટીમ ઈન્ડિયા માટે મોંઘા સાબિત થયા અને હારનું કારણ બની ગયા. તેથી બીજી T-20 મેચમાં કેપ્ટન ગીલે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે બોલિંગની સાથે ફિલ્ડિંગ પણ ચુસ્ત હોવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp