સિરાજે એન્ડરસનની જેમ બ્રહ્માસ્ત્ર વિકસાવ્યું: બોલ બહાર જશે, અંદર આવશે, કન્ફ્યુઝન

PC: munsifdaily.com

ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની વનડે શ્રેણીની 3 મેચમાં 9 વિકેટ લીધી હતી. તેણે માત્ર પાવરપ્લેમાં 7 વિકેટ ઝડપી હતી. 2022 ની શરૂઆતથી, તે એવો બોલર છે જેણે પાવરપ્લેમાં વધુ ODI વિકેટ લીધી છે. નવા બોલ સાથે તેની બોલિંગને વર્લ્ડ ક્લાસ કહેવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે, સિરાજે છેલ્લા એક વર્ષમાં એવું તે શું કર્યું છે જેના કારણે તેની બોલિંગ એટલી ઘાતક બની ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે સિરાજે એવું 'બ્રહ્માસ્ત્ર' વિકસાવ્યું છે જે અત્યારે ફક્ત ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પાસે છે.

આ બ્રહ્માસ્ત્રનું નામ છે 'વોબલ સીમ ડિલિવરી'. 'વોબલ'નો અર્થ થાય છે લથડવું. બોલિંગમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. જ્યારે બોલરના હાથમાંથી બોલ નીકળ્યા પછી બોલની સીમ સ્થિર ન હોય ત્યારે, તે ઠોકર ખાતી રહે છે. એટલે કે તે ડાબે-જમણે હાલતી રહે છે. એટલે કે, બોલરના હાથમાંથી છૂટ્યા પછી, બોલની સીમ પીચ પર ન આવે ત્યાં સુધી એક દિશામાં સ્થિર રહેવાને બદલે બંને દિશામાં મુવ થતી રહે છે. આને કારણે, બેટ્સમેનો મૂંઝવણમાં રહે છે કે બોલ પીચ પડ્યા પછી અંદર આવશે કે બહાર જશે.

જ્યારે બોલની સીમ તેના માર્ગમાં એક દિશામાં સ્થિર રહે છે (બોલરના હાથથી પીચ સુધીની મુસાફરી), ત્યારે બેટ્સમેન અનુમાન કરી શકે છે કે તે બોલ બહાર નીકળશે કે અંદર આવશે. પરંતુ વોબલ સીમના કિસ્સામાં, જ્યાં સુધી તે પિચ ન થાય ત્યાં સુધી તેની દિશાનો નિર્ણય કરી શકાતો નથી. આનાથી બેટ્સમેનને બોલને અનુભવવા માટે ઓછો સમય મળે છે અને શોટની પસંદગીમાં ભૂલની શક્યતા વધી જાય છે. આ સાથે બોલરને વિકેટ મળવાની શક્યતાઓ પણ વધી જાય છે.

શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં તેણે પાવરપ્લેમાં જ 4 વિકેટ ઝડપી હતી. મેચ બાદ સિરાજે કહ્યું કે, બેટ્સમેનોને આસાનીથી વોબલની સીમ સમજાતી નથી. આ બોલ સાથે, હું બોલને યોગ્ય જગ્યાએ પીચ કરવવાનો પ્રયાસ કરું છું અને બેટ્સમેન માટે મહત્તમ મુશ્કેલી ઊભી કરું છું.

સિરાજે કહ્યું કે, તેણે નેટ્સમાં વોબલ સીમ સાથે બોલિંગની ખુબ જ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે તેના પર સારું નિયંત્રણ મળ્યું, તો તેણે મેચમાં તેને અજમાવવાનો પ્રયાસ શરૂ કર્યો. હવે તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે.

વોબલ સીમ ડિલિવરી સામાન્ય રીતે ઝડપી બોલરો દ્વારા કરવામાં આવે છે. ઇન-સ્વિંગ અને આઉટ-સ્વિંગ બોલ બોલ કરવા માટે, તર્જની અને રિંગ આંગળીઓને સીમની નજીક રાખવાની જરૂર છે. પરંતુ, વોબલ સીમ બોલ ફેંકવા માટે, બે આંગળીઓ વચ્ચેનું અંતર વધારવું પડતું હોય છે.

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને વોબલ સીમ ડિલિવરી પ્રખ્યાત બનાવી હોવાનું માનવામાં આવે છે. 40 વર્ષની ઉંમરે પણ તે વોબલ સીમ ડિલિવરીની મદદથી ઘણા યુવા અને અનુભવી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યો છે. એન્ડરસને છેલ્લા 12 વર્ષથી આ બોલનો ઉપયોગ કરીને ઘણી વિકેટો લીધી હતી. તે અત્યારે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ઝડપી બોલર પણ છે. તેણે ઈંગ્લેન્ડ માટે 177 ટેસ્ટમાં 675 વિકેટ લીધી છે.

એન્ડરસને કહ્યું હતું કે, તે 2010ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન આ બોલ ફેંકવાનું શીખ્યો હતો. તેણે પૂર્વ પાકિસ્તાની બોલર મોહમ્મદ આસિફને ઘણી વખત આવું કરતા જોયો છે. તેમાંથી તેને ઘણી વિકેટ પણ મળી હતી. તેથી જ એન્ડરસને પણ વોબલ સીમથી બોલિંગ શરૂ કરી. આસિફે પાકિસ્તાન માટે 23 ટેસ્ટમાં 106 અને 38 વનડેમાં 46 વિકેટ લીધી હતી.

આ દિવસોમાં, મોહમ્મદ સિરાજ સિવાય, પાકિસ્તાનના મોહમ્મદ અબ્બાસ, ન્યુઝીલેન્ડના ટિમ સાઉથી અને ઉમેશ યાદવ જેવા ઘણા બોલરો અલગ-અલગ રીતે વોબલ સીમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વોબલ સીમ ડિલિવરી સામાન્ય રીતે નવા બોલ પર વધુ અસરકારક હોય છે. લાલ બોલમાં તેની અસર થોડી વધુ રહે છે. જ્યારે, સફેદ બોલમાં તેની અસર થોડી ઓવર પછી જ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં સિરાજ પાવરપ્લેમાં વોબલ સીમ ડિલિવરીનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરીને સતત વિકેટો લઈ રહ્યો છે.

2019માં ODI ડેબ્યૂ કર્યા બાદ સિરાજને 2022થી સતત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તેનું કારણ તેની વિકેટ લેવાની ક્ષમતા હતી. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી 19 વનડેમાં 33 વિકેટ લીધી છે. 2022થી, સિરાજે 1 થી 10 ઓવરની વચ્ચે 18 ઇનિંગ્સમાં 23 વિકેટ લીધી હતી. તેના પછી ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે પાવરપ્લેમાં 10 વિકેટ ઝડપી છે. 2022માં સિરાજે પાવરપ્લેમાં જ 16 વિકેટ લીધી હતી.

2020માં ટેસ્ટમાં પદાર્પણ કર્યા બાદથી તે ટેસ્ટ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી 15 ટેસ્ટમાં 46 વિકેટ લીધી છે. સિરાજ વનડે અને ટેસ્ટમાં સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ T-20માં તેને ઘણી તકો મળી નથી. 2017માં T20 ડેબ્યૂ કર્યા બાદ ખરાબ પ્રદર્શનને કારણે તેને 2021 અને 2022 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp