‘સચિનના નામે રેકોર્ડ હોવા પર શું ખોટું છે?’, ગાવસ્કરે માઇકલને કેમ લીધા આડે હાથ?
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કરે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉનના એ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે જો રુટ સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી શકે છે, પરંતુ BCCI એવું નહીં ઇચ્છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝ દરમિયાન 2 સદી ફટકારી હતી અને ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો હતો. સચિન તેંદુલકર વર્ષ 2008માં બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે.
તેમણે 200 મેચમાં 15,921 રન બનાવ્યા છે. સચિન તેંદુલકર 50 ટેસ્ટ સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી પણ છે, તેમણે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં 51 સદી ફટકારી છે. ઇંગ્લિશ મીડિયા અને તેમના ક્રિકેટર્સ વચ્ચે જો રુટ સચિન તેંદુલકરના રેકોર્ડને તોડશે તેવી ચર્ચા શરૂ થઇ ગઇ છે, આ દરમિયાન માઇકલ વૉને ગયા અઠવાડિયે મજાકમાં કહ્યું હતું કે જો રુટનું સચિનથી આગળ નીકળી જવું ટેસ્ટ ક્રિકેટને રસપ્રદ બનાવી દેશે, પરંતુ BCCI પોતાની આખી તાકતથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે કોઇ ભારતીય જ આ રેકોર્ડને તોડે. તેમના આ નિવેદન પર સુનિલ ગાવસ્કરે જડબાતોડ જવાબ આપ્યો છે.
સુનિલ ગાવસ્કરે સ્પોર્ટ્સસ્ટારમાં પોતાની કોલમમાં લખ્યું કે, ‘ભારતની નિંદાનો જવાબ આક્રમકતાથી આપવો જોઇએ કેમ કે આજ એકમાત્ર ભાષા છે, જે તેઓ સમજે છે. હાલમાં મેં કોઇને એમ કહેતા સાંભળ્યા કે જો રુટ ટેસ્ટમાં સૌથી વધુ રન અને સદી બનાવવાના સચિન તેંદુલકરના રેકોર્ડને પાછળ છોડી દે છે તો એ ટેસ્ટ ક્રિકેટ માટે સારું હશે. પ્લીઝ અમને બતાવો, ટેસ્ટ ક્રિકેટમાં અત્યારે શુ ખોટું છે, જ્યારે સચિન તેંદુલકર પાસે આ રેકોર્ડ છે અને ટેસ્ટ ક્રિકેટ સારી કઇ રીતે થઇ જાય, જો કોઇ ઇંગ્લિશ ખેલાડી આ રેકોર્ડને હાંસલ કરે છે. એ કઇ રીતે સારું હશે? કૃપયા અમને બતાવો. કોઇ અજીબ કારણે, વિદેશોમાં એવી ધારણા બની ગઇ છે કે BCCIને ટેસ્ટ ક્રિકેટ પસંદ નથી.’
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘આ એક હાસ્યાસ્પદ ધારણા છે કેમ કે ભારત દરેક સીઝનમાં અડધો ડઝનથી વધુ ટેસ્ટ મેચ રમે છે, પછી તે ઘરેલુ મેદાન હોય કે વિદેશી મેદાન પર. માત્ર એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ખૂબ સફળ છે, તેનો અર્થ એ નથી કે BCCI ટેસ્ટ ક્રિકેટને પ્રમોટ કરવામાં રસ ધરાવતું નથી, પરંતુ વિદેશી મીડિયા દ્વારા આજ કહાની ફેલાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp