ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું અને ફાયદો થયો ભારતની ટીમને, જાણો કંઈ રીતે

PC: twitter.com

ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 172 રનથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 8 માર્ચથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની જીતથી ભારતીય ટીમને ફાયદો થયો છે. ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારત 64.28 ટકા માર્ક્સ સાથે ન્યૂઝીલેન્ડને ટોપ પરથી દૂર કરવામાં સફળ રહ્યું હતું. અત્યાર સુધી ભારતના આઠ મેચમાં પાંચ જીત, બે હાર અને એક ડ્રો સાથે 62 પોઈન્ટ મળ્યા છે.

 

ન્યુઝીલેન્ડ હવે બીજા સ્થાને સરકી ગયું છે. ન્યૂઝીલેન્ડની ટીમના પાંચ મેચમાં ત્રણ જીત અને બે હારથી 36 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 60.00 છે. ઓસ્ટ્રેલિયા સામે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ન્યુઝીલેન્ડ 36 પોઈન્ટ અને 75 પોઈન્ટ ટકાવારી સાથે ટોપ પર હતું.

ઓસ્ટ્રેલિયન ટીમ WTC ટેબલમાં ત્રીજા સ્થાને છે. વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં જીતથી તેને 12 મહત્વના પોઈન્ટ મળ્યા છે. આ સાથે તેના 11 મેચમાં સાત જીત, ત્રણ હાર અને એક ડ્રો સાથે 78 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 55 થી વધીને 59.09 થઈ ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ ચોથા સ્થાને, પાકિસ્તાન પાંચમા સ્થાને અને વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠા સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા સાતમા, ઈંગ્લેન્ડ આઠમા અને શ્રીલંકા નવમા ક્રમે છે.

 

ઓસ્ટ્રેલિયન ટીમ 2023ની ચેમ્પિયન છે અને જો તે ક્રાઈસ્ટચર્ચમાં 8 માર્ચથી શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ પણ જીતે છે, તો તે ન્યૂઝીલેન્ડની જગ્યા પર, બીજા સ્થાને આવી જશે. આ દરમિયાન, ભારત 7 માર્ચથી ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમશે. જો આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતને હરાવશે તો ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ભારત માટે આ છેલ્લી મેચ જીતવી જરૂરી બની જશે.

 

આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ત્રીજું ચક્ર છે, જે 2023 થી 2025 સુધી ચાલશે. ICC આ ત્રીજા ચક્ર માટે પોઈન્ટ સિસ્ટમ સાથે સંબંધિત નિયમો પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે. જો ટીમ ટેસ્ટ મેચ જીતે તો તેને 12 પોઈન્ટ, મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ અને મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ મળશે.

જ્યારે મેચ જીતવા પર 100 ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે, ટાઈ થાય તો 50 ટકા, ડ્રો પર 33.33 ટકા અને હાર પર ઝીરો ટકા પોઈન્ટ ઉમેરવામાં આવશે. બે મેચની સીરીઝમાં કુલ 24 પોઈન્ટ્સ અને પાંચ મેચની સીરીઝમાં 60 પોઈન્ટ્સ ઉપલબ્ધ થશે. કારણ કે રેન્કિંગ મુખ્યત્વે પોઈન્ટ ટેબલમાં જીતની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp