શું પાકિસ્તાન સામે નારંગી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા? BCCIએ દરેક વાત જણાવી

PC: sportstiger.com

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ 8 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. આ જીત પછી ભારતીય ટીમનું ધ્યાન હવે આગામી મેચો પર છે. ખાસ કરીને 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ પર. જો કે આ મેચ પહેલા ભારતીય ટીમની જર્સીને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો ચાલી રહી છે. જેના પર હવે BCCIની પ્રતિક્રિયા સામે આવી છે.

હકીકતમાં, સોશિયલ મીડિયા પર એવી વાતો સામે આવી રહી છે કે, પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ નારંગી જર્સીમાં રમતી જોવા મળશે. જેને લઈને BCCIની પ્રતિક્રિયા સામે આવી છે. BCCIના ટ્રેઝરર આશિષ શેલારે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા આશિષ શેલારે કહ્યું કે, 'અમે આ પ્રકારના દાવાઓને ફગાવીએ છીએ. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરશે તેવા અહેવાલ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આવા સમાચાર માત્ર કલ્પના જ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં માત્ર વાદળી જર્સીમાં જ રમશે.'

હકીકતમાં, ટીમ ઈન્ડિયા ઘણા પ્રસંગોએ પ્રેક્ટિસ જર્સી (ઓરેન્જ જર્સી)માં જોવા મળી છે. ત્યાર પછી આવી અફવાઓ સતત ઉડવા લાગી હતી.

હવે ઓસ્ટ્રેલિયા સામેની મેચની વાત કરીએ તો, 200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 રનમાં 3 વિકેટે થઈ ગયો હતો. ત્રણેય ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર. રોહિત શર્મા એક સારા બોલને રમીને આઉટ થયો હતો, અન્ય બે ખેલાડી ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયા. KL રાહુલે વિરાટને સાથ આપ્યો હતો. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટે 85 રન બનાવ્યા હતા. જ્યારે KL રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને તેમની વચ્ચેની 165 રનની ભાગીદારીને કારણે ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની વાત કરીએ તો, તેમનો ઓપનર મિચેલ માર્શ પણ શૂન્ય પર આઉટ થયો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા સૌથી અસરકારક બોલર સાબિત થયો હતો. જડ્ડુએ સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન અને એલેક્સ કેરીને આઉટ કર્યા હતા. બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 199 રન પર રોકી દીધું હતું. હવે ભારતની આગામી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp