આ ક્રિકેટ લેજેન્ડે અચાનક ચાહકોને આપ્યો આંચકો,ODIમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત
અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ હાલમાં એક મોટી જાહેરાત કરી છે. મોહમ્મદ નબી આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ નસીબ ખાને શુક્રવારે આ જાણકારી આપી. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી પછી મોહમ્મદ નબી T-20 ક્રિકેટમાં અફઘાનિસ્તાન તરફથી રમવાનું ચાલુ રાખશે.
નસીબ ખાને મીડિયા સૂત્રને કહ્યું, 'હા, મોહમ્મદ નબી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ODIમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે અને તેણે બોર્ડને તેની ઈચ્છા વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી. તેણે મને થોડા મહિના પહેલા કહ્યું હતું કે, તે ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેની વનડે કારકિર્દીનો અંત લાવવા માંગે છે. અમે તેમના નિર્ણયને આવકારીએ છીએ. તેણે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે તે તેની T20 કારકિર્દી ચાલુ રાખશે.
39 વર્ષીય મોહમ્મદ નબી અફઘાનિસ્તાનની ODI ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. મોહમ્મદ નબીએ 2009માં સ્કોટલેન્ડ સામેની તેની પ્રથમ વનડેમાં અડધી સદી ફટકારીને પ્રભાવ પાડ્યો હતો. મોહમ્મદ નબીએ અત્યાર સુધી 165 વનડે મેચોમાં 3,549 રન બનાવ્યા છે અને 171 વિકેટ પણ લીધી છે. તાજેતરમાં, બાંગ્લાદેશ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં, મોહમ્મદ નબીએ શાનદાર 82 રન બનાવ્યા, જેના કારણે તેની ટીમ મજબૂત સ્કોર પોસ્ટ કરવામાં સફળ રહી અને પછી અલ્લાહ ગઝનફરની છ વિકેટની મદદથી તેને બચાવી પણ લીધી.
વરિષ્ઠ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન માટે 3 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય તેણે IPLની 24 મેચોમાં પણ પોતાની પ્રતિભા બતાવી છે. મોહમ્મદ નબીએ આ લીગમાં 143.33ની ઝડપી સ્ટ્રાઈક રેટથી 215 રન બનાવ્યા છે અને બોલિંગમાં 15 વિકેટ પણ લીધી છે. મોહમ્મદ નબીએ પોતાના અનુભવ અને ઓલરાઉન્ડ રમતથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને અનેક પ્રસંગોએ જીત અપાવી છે.
અહીં તમને બતાવી દઈએ કે, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારતીય ટીમ પાકિસ્તાન જવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ પર થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp