ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ,મુંબઈમાં મતદાન પછી જાહેરાત, જાણો કયા વર્ષે રમાશે

PC: twitter.com

મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નક્કી થઇ ગયું હતું, કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યાર પછી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

લોસ એન્જલસ-28 ઓર્ગેનાઈઝિંગ કમિટિ દ્વારા ભલામણ કરાયેલ પાંચ સ્પોર્ટ્સનો સમાવેશ કરવાની દરખાસ્તનો 99 IOC સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ મતદાન કરીને વિરોધ કર્યો હતો. તેઓને એક્ઝિક્યુટિવ બોર્ડની ભલામણ પર હાથ ઉઠાવીને મત આપવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી, IOC પ્રમુખ થોમસ બાખે અન્ય રમતોની સાથે ઓલિમ્પિકમાં ક્રિકેટને પણ સામેલ કરવાની જાહેરાત કરી.

બાખે કહ્યું, 'હું તમારા બધાનું ઓલિમ્પિક કાર્યક્રમમાં સ્વાગત કરું છું.' આ પહેલા, ઓલિમ્પિકમાં માત્ર એક જ વાર ક્રિકેટ રમાઈ હતી, ત્યારે 1900 પેરિસ ઓલિમ્પિકમાં ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવ્યું હતું.

લોસ એન્જલસ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ મહિલા અને પુરુષોની શ્રેણીમાં છ ટીમોની ટુર્નામેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ યજમાન ટીમ હશે, જોકે ટીમો અને ક્વોલિફાય થવાની પ્રક્રિયા વિશે અંતિમ નિર્ણય હવે પછી લેવામાં આવશે. IOC સ્પોર્ટ્સ ડાયરેક્ટર કિટ મેકકોનેલે કહ્યું, 'દરખાસ્ત ટીમ સ્પોર્ટ્સમાં પ્રતિ ઈવેન્ટમાં છ ટીમો રાખવાનો છે. ટીમોની સંખ્યા અને લાયકાત અંગે હજુ સુધી વિગતવાર ચર્ચા કરવામાં આવી નથી. આનો નિર્ણય 2025ની આસપાસ થશે.'

મેકકોનેલે જણાવ્યું હતું કે, ક્રિકેટ સહિતની નવી રમતોના સમાવેશથી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ખેલાડીઓની સંખ્યામાં 10,500નો વધારો થશે. તેણે કહ્યું, 'ટીમ સ્પોર્ટ્સના સમાવેશ થવાથી ખેલાડીઓની સંખ્યામાં 10,500નો વધારો થશે. તેમાં કેટલો વધારો થશે તેની ચર્ચા કરવી પડશે. જ્યારે અમે કાર્યક્રમ અંગે નિર્ણય લઈશું ત્યારે ખેલાડીઓનો ક્વોટા 2025ની શરૂઆતમાં નક્કી કરવામાં આવશે.' થોમસ બાખે મતદાન પછી જણાવ્યું હતું કે, IOCના બે સભ્યોએ દરખાસ્તની વિરુદ્ધમાં મત આપ્યો હતો, જ્યારે એક સભ્યએ મતદાન નહોતું કર્યું. આ સિવાય બીજા બધા સભ્યોએ આ પ્રસ્તાવ માટે પોતાની સહમતી જાહેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp