રોનાલ્ડો-મેસ્સી વચ્ચે છેલ્લી ટક્કર? જાણો ક્યારે અને ક્યાં રમાશે આ ઐતિહાસિક મેચ

PC: abplive.com

ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે. લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં મેદાનમાં સામસામે જોવા મળશે. બંને દિગ્ગજો લાંબા સમયથી એકબીજાની સામે નથી આવ્યા. આવી સ્થિતિમાં તેમની વચ્ચેની ટક્કર બ્લોકબસ્ટર સાબિત થવાની આશા છે.

વિશ્વભરના ફૂટબોલ ચાહકો જે મેચની રાહ જોઈ રહ્યા હતા તે મેચ 1 ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયામાં થશે જ્યારે લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમો આમને-સામને ટકરાશે. મેસ્સીની ટીમ ઈન્ટર મિયામીએ સોમવારે પુષ્ટિ કરી કે, તે સાઉદી અરેબિયામાં રિયાધ સિઝન કપ રમશે. તેનો મુકાબલો 29 જાન્યુઆરીએ અલ હિલાલ અને 1 ફેબ્રુઆરીએ રોનાલ્ડોની ટીમ અલ નસ્ર સામે થશે.

આ બંને ક્લબ સાઉદી પ્રો લીગમાં ટોચ પર છે અને રોનાલ્ડોએ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા છે. ઇન્ટર મિયામીના સ્પોર્ટિંગ ડિરેક્ટર ક્રિસ હેન્ડરસને કહ્યું, 'આ મેચો અમને નવી સિઝનની તૈયારી કરવામાં મદદ કરશે.' 'અમને અલ હિલાલ અને અલ નસ્ર જેવી મજબૂત ટીમો સામે પરીક્ષણ કરવાની તક મળશે.'

બંને દિગ્ગજો યુરોપિયન ફૂટબોલ સર્કિટથી દૂર છે. જ્યારે મેસ્સી અમેરિકાની ઇન્ટર મિયામી ક્લબ સાથે રમી રહ્યો છે, ત્યારે રોનાલ્ડો સાઉદી અરેબિયાની અલ નસ્ર ફૂટબોલ ક્લબ સાથે જોડાયો છે. જ્યાં સુધી આ બંને ખેલાડીઓ સ્પેનિશ ફૂટબોલ લીગ 'લા લિગા'નો ભાગ હતા ત્યાં સુધી દર વર્ષે આ દિગ્ગજો વચ્ચે સ્પર્ધા થતી હતી. મેસ્સીએ બાર્સેલોના છોડ્યા પછી અને રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ ક્લબને અલવિદા કહી દીધું, ત્યાર પછી આવી હરીફાઈ ભાગ્યે જ જોવા મળી છે.

જ્યારે મેસ્સી બાર્સેલોના છોડીને પેરિસ સેન્ટ-જર્મન પહોંચ્યો અને રોનાલ્ડો જુવેન્ટસ અને પછી માન્ચેસ્ટર યુનાઈટેડનો ભાગ બન્યો, ત્યારે આ દિગ્ગજો થોડી વાર સામસામે આવી ગયા, પરંતુ બંનેએ યુરોપિયન ફૂટબોલ ક્લબને અલવિદા કહી દીધા પછી, ચાહકો તેમની વચ્ચેની મેચ જોવા માટે તડપી રહ્યા હતા.

મેસ્સી અને રોનાલ્ડો ક્લબ અને ઈન્ટરનેશનલ ફૂટબોલમાં 35 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાંથી મેસ્સીની ટીમે 16 અને રોનાલ્ડોની ટીમે 10 મેચ જીતી છે જ્યારે નવ મેચ ડ્રો રહી હતી. આ મેચોમાં મેસ્સીએ 21 ગોલ કર્યા અને 12માં આસિસ્ટ કર્યો, જ્યારે રોનાલ્ડોએ 20 ગોલ કર્યા અને એકમાં આસિસ્ટ કર્યો. મે મહિનામાં સાઉદી અરેબિયા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્રમમાં ભાગ લેવાના કારણે મેસ્સીને તેની ભૂતપૂર્વ ટીમ પેરિસ સેન્ટ-જર્મેને સસ્પેન્ડ કરી દીધો હતો. મેસ્સી અને રોનાલ્ડો અનુક્રમે બાર્સેલોના અને રિયલ મેડ્રિડ માટે ઘણી વખત એકબીજા સામે રમી ચુક્યા છે.

બંને ખેલાડીઓ છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં સામસામે આવ્યા હતા. ત્યારપછી મેસ્સી PSGનો ભાગ હતો. અલ હિલાલ અને અલ-નસ્રએ PSGનો એકસાથે સામનો કર્યો હતો. બે વર્ષ પછી બંને ખેલાડીઓ સામસામે આવ્યા. એક વર્ષ અને એક મહિના પછી ફૂટબોલના આ બે દિગ્ગજો હવે સામસામે ટકરાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ છેલ્લી વખત હોઈ શકે છે, જ્યારે બંને એકબીજાની સામે હશે. મેસ્સી હવે અમેરિકન ફૂટબોલનો હિસ્સો છે જ્યારે રોનાલ્ડો એશિયામાં આવી ગયો છે. આવી સ્થિતિમાં, તેમની ક્લબ્સ એકબીજાની સામે આવવાની શક્યતા એકદમ ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp