રોહિત અને મોહમ્મદ વચ્ચે મેદાનમાં થયેલા વિવાદને લઈને જાણો કોચ દ્રવિડ શું બોલ્યા

PC: crictracker.com

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20 મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના દિગ્ગજ ખેલાડી મોહમ્મદ નબી વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. તેને લઈને હવે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, આ કોઈ ગંભીર મામલો નથી. જ્યારે ખેલાડી પોતાના દેશ માટે રમે છે તો પછી આ પ્રકારની વસ્તુઓ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે પહેલી સુપર ઓવર દરમિયાન જ્યારે અફઘાનિસ્તાનનો સ્કોર 13/1 હતો ત્યારે મોહમ્મદ નબીએ મુકેશકુમારના યોર્કર બૉલ પર શૉટ લગાવીને એક રન લેવાનો પ્રયાસ કર્યો.

બૉલ ત્યાં જ રહી ગયો અને વિકેટકીપર સંજુ સેમસને આઉટ કરવા માટે નોન સ્ટ્રાઈકર એન્ડ તરફ બૉલને થ્રો કર્યો, પરંતુ એ બૉલ મોહમ્મદ નબીના શરીર સાથે લાગીને લોંગ ઓન પર ઊભા વિરાટ કોહલી પાસે જતો રહ્યો. તેનો ફાયદો ઉઠાવતા નબીએ બાયના રૂપમાં બે વધારાના રન લઈ લીધા. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને આ વસ્તુ પસંદ ન આવી અને તે મેદાનમાં જ મોહમ્મદ નબી સાથે દલીલ કરવા લાગ્યો. બંને ખેલાડીઓ વચ્ચે ઘણા સમય સુધી દલીલ થઈ. રોહિત શર્માનું માનવું હતું કે નબીએ રમત ભાવના દેખાડતા બે એકસ્ટ્રા રન લેવા જોઈતા નહોતા.

તો આ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કોચ રાહુલ દ્રવિડને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મેચમાં એવી વસ્તુ થઈ જાય છે. મારા હિસાબે જ્યારે તમે દેશ માટે રમો છો તો પછી ખૂબ વધારે ઝનૂની અને ઈમોશનલ થઈ જાવ છો. મારા હિસાબે એ ખૂબ જબરદસ્ત રહ્યું કે ડેડ રબર મેચ એટલી રોમાંચક સાબિત થઈ. એ બધો ગેમનો હિસ્સો છે. મેદાનની અંદર સુધી જ ગુસ્સો રહે છે. મોહમ્મદ નબીએ નિયમોના હિસાબે યોગ્ય કર્યું. પહેલી T20માં અમે પણ એવું જ કર્યું હતું.

મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્મા (69 બૉલમાં 121 રન)એ બનાવ્યા, જ્યારે રિકુ સિંહે 39 બૉલમાં 69 રનની ઇનિંગ રમી હતી. 213 રનનો પીછો કરવા ઉતરેલી અફઘાની ટીમે પણ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 212 રન જ બનાવ્યા હતા. મેચ ટાઈ થઈ. ત્યારબાદ પહેલી સુપર ઓવરમાં પણ બંને ટીમોએ 16-16 રન બનાવ્યા. તો બીજી સુપર ઓવરમાં પહેલા ભારતીય ટીમે 5 બૉલમાં 11 રન બનાવ્યા હતા, જેમાં અફઘાનિસ્તાની ટીમ 1 જ રન બનાવી શકી હતી. આ રીતે બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે જીત હાંસલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp