વર્લ્ડ કપમાં છેલ્લી વખત જોવા મળશે આ 6 ખેલાડીઓ, 3 ભારતીયોના નામ જાણીને નવાઈ લાગશે

PC: aajtak.in

ICC ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે અને ભારતે ધમાકેદાર શરૂઆત પણ કરી દીધી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19મી નવેમ્બરે યોજાશે. પરંતુ આ વખતે ઘણા સ્ટાર ખેલાડીઓ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છે. એમ તો ઘણા નામ છે કે જે છેલ્લો વર્લ્ડ કપ રમવાના છે, પરંતુ આજે આપણે 6 ખાસ ખેલાડીઓ વિશે વાત કરીશું.

આ 6 ખેલાડીઓમાં 3 ભારતીયો પણ સામેલ છે, તેમના નામ જાણીને ચાહકોને નવાઈ લાગશે. જ્યારે એક ખેલાડી ઓસ્ટ્રેલિયાનો, એક ઈંગ્લેન્ડનો અને બીજો બાંગ્લાદેશ ટીમનો છે. આ બધા માટે છેલ્લો વર્લ્ડ કપ બનવાનું લગભગ નિશ્ચિત છે...

ભારતીય કેપ્ટન રોહિત શર્મા 36 વર્ષનો થઈ ગયો છે. આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 40 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં તેના માટે આગામી વર્લ્ડ કપ સુધી રમવું અશક્ય છે. જો કે, BCCIએ પહેલાથી જ T20ની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવાનો નિર્ણય કરી લીધો છે. એટલા માટે તેને સતત ઘણી શ્રેણીઓમાં કેપ્ટનશિપ આપવામાં આવી છે. વર્લ્ડ કપ પછી રોહિતને T20 અને ODIમાંથી આરામ આપવામાં આવી શકે છે, અથવા રોહિત નિવૃત્ત થઈ શકે છે.

ભારતીય સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ગયા મહિને 17મી સપ્ટેમ્બરે 37 વર્ષનો થયો. વર્લ્ડ કપમાં પસંદ થયા પછી તેણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, આ તેનો છેલ્લો વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ બાદ તે ટેસ્ટમાં રમતા જોવા મળી શકે છે.

કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલીનું નામ સાંભળીને ફેન્સને ચોક્કસથી થોડું આશ્ચર્ય થશે, પરંતુ સત્ય એ છે કે તેના માટે આગામી વર્લ્ડ કપમાં રમવું ઘણું મુશ્કેલ છે. કોહલી આવતા મહિને 5 નવેમ્બરે 35 વર્ષનો થશે. જો કે કોહલીની ફિટનેસ શાનદાર છે, પરંતુ 4 વર્ષ પછી રમવું બહુ વધારે પડતું થઇ જાય એમ છે.

ઓસ્ટ્રેલિયન ટીમનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર પણ વર્લ્ડ કપ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તે પહેલા જ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે. વોર્નરે પોતે આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે, તે ટૂર્નામેન્ટ પછી તેની ક્રિકેટ કારકિર્દી વિશે વિચારી શકે છે. 2015 અને 2019માં વર્લ્ડ કપ રમનાર વોર્નર 2019ની સિઝનમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. વોર્નર 27 ઓક્ટોબરે 37 વર્ષનો થઈ જશે.

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ પહેલા જ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. પરંતુ ઈંગ્લેન્ડ બોર્ડની સમજાવટના કારણે તેણે નિવૃત્તિ પછી ખેંચીને દેશ માટે વર્લ્ડ કપ રમી રહ્યો છે. પરંતુ 32 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વર્લ્ડકપ પછી ફરીથી ODI ક્રિકેટને અલવિદા કહી શકે છે. તેણે એકલા હાથે ઈંગ્લેન્ડને 2019ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

36 વર્ષીય બાંગ્લાદેશનો આ સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ વખતે ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. પરંતુ તેણે હાલમાં જ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. આ વખતે શાકિબ તેનો 5મો વનડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે. આ પહેલા તે 2007, 2011, 2015 અને 2019 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp