રોકેટની જેમ દોડી રહ્યો છે આ બોલર...કમિન્સથી 4 ગણી, સ્ટાર્કથી 6 ગણી વિકેટ લીધી
T20 વર્લ્ડ કપ 2024માં ખૂબ જ રસપ્રદ રમત ચાલી રહી છે. જ્યારે બેટ્સમેનો રનની શોધમાં છે, ત્યારે બોલરો બંને હાથે વિકેટો લઈ રહ્યા છે. આ બોલરોમાં ફઝલહક ફારૂકી વિશે આપણે શું કહી શકીએ? આ અફઘાન પેસરની બોલિંગમાં જાણે તોફાન સમેટાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. જે સામે આવ્યો તેને તેણે પાડી જ દીધો છે. 23 વર્ષના ફઝલહક ફારૂકીએ માત્ર 3 મેચમાં 12 વિકેટ લીધી છે.
શુક્રવારે T20 વર્લ્ડ કપ 2024માં, ફઝલહક ફારૂકીએ પાપુઆ ન્યૂ ગિની સામે માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ફારૂકીને જે પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો તે તેનું ટૂર્નામેન્ટમાં સૌથી નબળું પ્રદર્શન હતું. આ પહેલા ફારૂકીએ ન્યુઝીલેન્ડ સામે 4 અને યુગાન્ડા સામે 5 વિકેટ ઝડપી હતી. યુગાન્ડા સામે ફઝલહક ફારૂકીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં મોટા મોટા દિગ્ગજ ફઝલહક ફારૂકીથી ઘણા દૂર છે. તમે આ વાતથી તેનો અંદાજો લગાવી શકો છો કે, જેને વર્તમાન સમયનો સૌથી સારો ઝડપી બોલર માનવામાં આવે છે તે જસપ્રીત બુમરાહ, તે આ અફઘાન ફાસ્ટ બોલરથી અડધી પણ વિકેટ લઈ શક્યો નથી. જ્યારે બુમરાહે ફારૂકી જેટલી જ મેચ રમી છે.
જસપ્રીત બુમરાહે 3 મેચમાં 9.00ની એવરેજ અને 4.09ની ઈકોનોમી રેટથી 5 વિકેટ લીધી છે. ODI વર્લ્ડ કપ 2023 અને IPL 2024નો સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક 3 મેચમાં માત્ર 2 વિકેટ લઈ શક્યો છે. પેટ કમિંસના નામે 2 મેચમાં 4 વિકેટ છે. પાકિસ્તાનના તોફાન કહેવાતા શાહીન આફ્રિદીના નામે પણ માત્ર 2 વિકેટ છે. આફ્રિદી સિવાય બુમરાહ અને કમિન્સ-સ્ટાર્કની ટીમ સતત જીતી રહી છે.
T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં ફઝલહક ફારૂકી પછી ત્રણ બોલર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના એનરિક નોર્સિયા, વેસ્ટ ઈન્ડિઝના અલ્ઝારી જોસેફ અને ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ અત્યાર સુધીમાં 8-8 વિકેટ લીધી છે. આ ત્રણ પછી આવે છે અકીલ હુસૈન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને રિશાદ હુસૈન. આ ચારેયએ 7-7 વિકેટ લીધી છે. માર્કસ સ્ટોઇનિસ, તસ્કીન અહેમદ, હરિસ રઉફ અને મેહરાન ખાને 6-6 વિકેટ લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp