વસીમ અકરમ પાસેથી આવી અપેક્ષા નહોતી,ભારતની હાર પર એવી દલીલ કરી કે માથું પકડી લેશો
ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને મળેલી નિરાશાજનક હારની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ભારતે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને પ્રશંસકો વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનું દુ:ખ ભૂલીને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ હજુ પણ હારના ઘાને ખોતરવાની કોશિશ કરી રહ્યા છે.
વસીમ અકરમે ભારતની હારનો શ્રેય TV, સોશિયલ મીડિયા અને ફેન્સને આપ્યો છે. વસીમ અકરમનું માનવું છે કે TV, સોશિયલ મીડિયા અને પ્રશંસકોએ ફાઈનલ પહેલા જ ભારતને વિજેતા બનાવી દીધું હતું, જેના કારણે ટીમ ખૂબ દબાણમાં આવી ગઈ હતી અને ફાઇનલમાં સારું રમી શકી નહોતી.
વસીમ અકરમે કહ્યું, 'હું સમજી શકું છું કે એક રાષ્ટ્ર તરીકે આમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે તમારી ટીમ સારું રમી હતી. તેઓ સતત 10 મેચ જીત્યા, પરંતુ તમે શું કર્યું, તમે ફાઈનલ પહેલા જ ટીમને વિજેતા બનાવી દીધી. મને માફ કરશો પણ તમારે તમારી ભૂલ સ્વીકારવી પડશે. તેમાં કોઈ શંકા નથી કે, તમે સારું રમ્યા, પરંતુ એક ખરાબ મેચે તમારી મહેનતને બરબાદ કરી દીધી.'
તેણે કહ્યું, 'સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે, ભારતીય ટીમ સારી રીતે રમી. ફાઇનલમાં મળેલી હાર ખૂબ જ નિરાશાજનક હતી. આજે પણ મને 1999 વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હાર વિશે પૂછવામાં આવે છે. અમારા ચાહકો તેને ક્યારે ભૂલી જશે? ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો ભૂતકાળની વાતોને યાદ કરે છે. તેની યાદશક્તિ હાથી જેવી છે. ફાઇનલમાં હારી ગયાને 30 વર્ષ થઈ ગયા છે, પરંતુ ચાહકો હજુ પણ મને પૂછે છે કે મેં ટોસ જીત્યા પછી શા માટે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું.
અકરમે કહ્યું, 'સોશિયલ મીડિયા પર ચાલી રહેલી બાબતોને ગંભીરતાથી ન લો. અહીં અડધા કરતાં વધુ સામગ્રી નોનસેન્સ હોય છે. એક રાષ્ટ્ર તરીકે તમારે આગળ વધવાનું છે. છ મહિના પછી ફરી T20 વર્લ્ડ કપ માટે તૈયાર થઈ જાઓ.'
જોકે, ટીમ ઈન્ડિયાની હાર પર વસીમ અકરમ જે તર્ક આપી રહ્યા છે, તે સંપૂર્ણપણે અગમ્ય છે. સોશિયલ મીડિયા અને TV પર જે ચાલી રહ્યું છે, તેનાથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ક્યારેય પ્રભાવિત થતા નથી. જ્યાં સુધી પ્રશંસકોની વાત છે, તેઓએ દરેક વળાંક પર તેમના સુપરસ્ટાર ખેલાડીઓને સમર્થન આપવામાં કોઈ કસર છોડી નથી. આવી સ્થિતિમાં વસીમ અકરમનું નિવેદન કે, સોશિયલ મીડિયા અને ફેન્સના દબાણને કારણે ટીમ ઈન્ડિયા હારી ગઈ છે તે બિલકુલ ખોટું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp