જેઓ મને ઓળખતા પણ નથી તેઓ.., હાર્દિકે વર્લ્ડ કપ જીત્યા પછી દિલની લાગણી વ્યક્ત કરી
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29મી (શનિવાર)ના રોજ કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તેણે 2007ની સિઝનમાં ટાઈટલ જીત્યું હતું.
સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમની જીતમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે ફાઈનલ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિકે છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રન બનાવવા દીધા ન હતા. હાર્દિકે હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર અને કાગિસો રબાડાની વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યાએ આ વર્લ્ડ કપમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, IPLની છેલ્લી સિઝનમાં હાર્દિક પંડ્યાને રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાને કારણે તેને ખુબ ટીકા સહન કરવી પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ખુદના ખરાબ પ્રદર્શન પછી હાર્દિક ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો. હવે હાર્દિકે તેના દેશ માટે જે કર્યું છે તેના જેટલા વખાણ કરી શકાય તેટલા ઓછા છે. હાર્દિકે કહ્યું છે કે તે સન્માન સાથે જીવવામાં માને છે. જીત પછી હાર્દિક પંડ્યા પણ ભાવુક થઈ ગયો હતો.
હાર્દિક પંડ્યાએ ટાઈટલ જીત્યા પછી કહ્યું, 'હું સન્માનમાં માનું છું. જે લોકો મને એક ટકા પણ ઓળખતા નથી, તેમણે મને એટલું બધું કહ્યું. લોકો બોલ્યા પણ કોઈ વાંધો નહીં. હું હંમેશા માનું છું કે, શબ્દોથી જવાબ ન આપવો જોઈએ, સંજોગો ખુદ જવાબ આપી દે છે. ખરાબ સમય કાયમ રહેતો નથી. સન્માન જાળવી રાખવું મહત્વપૂર્ણ છે, પછી ભલે તમે જીતો કે હારો.'
હાર્દિકે વધુમાં કહ્યું કે, 'ચાહકો અને દરેક વ્યક્તિએ શાલીનતાથી જીવતા શીખવું પડશે. આપણું વર્તન સારું હોવું જોઈએ. મને ખાતરી છે કે, હવે એ જ લોકો ખુશ હશે. સાચું કહું તો મને માજા આવી રહી છે. જીવનને બદલી નાખનારી આવી તકો બહુ ઓછા લોકોને મળે છે. આ દાવ ઊંધો પણ થઇ શકતો હતો, પરંતુ મને ગ્લાસ અડધો ભરેલો દેખાય છે, અડધો ખાલી નથી દેખાતો.
હાર્દિક કહે છે, 'હું દબાણ લેતો ન હતો અને મારી કુશળતા પર વિશ્વાસ હતો. આ ક્ષણ અમારા નસીબમાં લખેલી હતી. 2026ને તો હજુ ઘણી વાર છે. હું રોહિત અને વિરાટ માટે ખૂબ જ ખુશ છું. ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ, જેઓ આ જીતના હકદાર હતા. આ ફોર્મેટમાં તેની સાથે રમવાની મજા આવી. તેમની ગેરહાજરીમાં ખાલીપણું લાગશે, પરંતુ આનાથી વધુ સારી વિદાય ન હોઈ શકે. રોહિત શર્માની T20માંથી નિવૃત્તિ પછી હાર્દિક પંડ્યાને આ ફોર્મેટમાં ભારતનો આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. T20 વર્લ્ડ કપ વર્ષ 2026માં ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે.
આ હતી T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકની સફર: હાર્દિકે ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. હાર્દિકે ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે 7 રન બનાવ્યા હતા. ત્યારપછી 24 રનમાં 2 વિકેટ પણ લીધી હતી. હાર્દિકે ન્યૂયોર્કમાં અમેરિકા સામે 2 વિકેટ લીધી હતી. હાર્દિકે અફઘાનિસ્તાન સામે 32 રનની ઇનિંગ રમી હતી. હાર્દિકે પહેલા તોફાની બેટિંગ કરીને બાંગ્લાદેશ સામે 50(નોટઆઉટ) રન બનાવ્યા અને પછી એક વિકેટ લીધી. હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે 27 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં હાર્દિકે 23 રન બનાવ્યા હતા. હાર્દિકે ફાઇનલમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp