શું કોહલી નિવૃત્તિ લેશે? વિરાટના કોચે કહ્યું- ચીકુ ફેમિલી સાથે ઈંગ્લેન્ડ સેટ થશે
વિરાટ કોહલી હાલમાં ટીમ ઈન્ડિયા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહ્યો છે. સિરીઝની ત્રીજી મેચ એટલે કે ગાબા ટેસ્ટ ડ્રો થયા પછી રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ન માત્ર ચોંકાવી દીધા, પરંતુ એક અલગ પ્રકારની ચર્ચા પણ શરૂ કરી દીધી. ત્યાર પછીથી, એવા સમાચાર વહેતા થઈ રહ્યા છે કે, ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આ WTC સિઝન સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે. આ દરમિયાન, અન્ય એક સમાચારે તે અફવાઓને વેગ આપ્યો છે.
હકીકતમાં, તેના બાળપણના કોચ રાજકુમાર શર્માએ એક નિવેદનમાં કહ્યું છે કે, વિરાટ કોહલી ટૂંક સમયમાં બોલિવૂડ સ્ટાર પત્ની અનુષ્કા શર્મા સાથે સંપૂર્ણપણે ઇંગ્લેન્ડ સ્થાઈ થઇ જશે. ભારતના ક્રિકેટ આઇકોન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી યુનાઇટેડ કિંગડમમાં ઘણો સમય વિતાવવાને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માના જણાવ્યા અનુસાર, ટીમ ઈન્ડિયાનો સ્ટાર તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે ટૂંક સમયમાં UK શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે. કોહલી પોતાની પત્ની અને બાળકો સાથે લંડનમાં ઘણો સમય વિતાવી રહ્યો છે. અનુષ્કા તેમના બીજા બાળક અકાય સાથે ગર્ભવતી હતી ત્યારે તેની શરૂઆત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાની લંડનમાં એક રહેઠાણ છે, જ્યાં તેઓ અકાયના જન્મ પછી ઘણો સમય વિતાવી રહ્યા છે. કોચે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, હા, વિરાટ પોતાના બાળકો અને પત્ની અનુષ્કા શર્મા સાથે લંડન જવાની યોજના બનાવી રહ્યો છે. તે ટૂંક સમયમાં ભારત છોડીને શિફ્ટ થવાનો છે. કોહલી 36 વર્ષનો છે અને T20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ 2024 જીત્યા પછી તરત જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. હાલમાં વિરાટ કોહલીની રન બનાવવાની ક્ષમતા અને ફોર્મ પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં કોહલીએ નિવૃત્તિના વિષય પર વાત કરી હતી. તેણે કહ્યું કે, એકવાર તે નિવૃત્તિ લઈ લેશે તો લોકો તેને થોડા સમય માટે જોઈ શકશે નહીં. કોહલીએ RCB સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તે ખૂબ જ સરળ છે. મને લાગે છે કે એક ખેલાડી તરીકે અમારી કારકિર્દીની એક એક્સપાયરી ડેટ હોય છે. હું મારી કારકિર્દીનો અંત એ વિચારીને નથી કરવા માંગતો કે, ઓહ, જો મેં તે ચોક્કસ દિવસે આ કર્યું હોત તો, કારણ કે હું કાયમ માટે આગળ વધી શકતો નથી.
તેણે કહ્યું હતું, તો આ ફક્ત એ બાબત માટે છે કે, કોઈ કામ અધૂરું ન રહી જાય અને પછી પાછળથી કોઈ પસ્તાવો ન કરે, તે બાબતે મને ખાતરી છે કે હું તેવું નહીં કરીશ. એકવાર જ્યારે હું તમામ કામ પુરા કરી લઈશ (મારી ક્રિકેટ કારકિર્દી પૂરી કરીશ) તો હું તેને છોડી દઈશ. તમે મને થોડા સમય માટે જોઈ શકશો નહીં (હસતાં). તેથી, જ્યાં સુધી હું રમું છું, ત્યાં સુધી હું મારું સર્વસ્વ આપવા માંગુ છું, અને આ જ એકમાત્ર વસ્તુ છે, જે મને આગળ વધવામાં મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp