નવા વર્ષે વોર્નરે ચોકાવ્યાઃ ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી

PC: news.com.au

અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષની પ્રથમ કિરણ સાથે પોતાના ચાહકોને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. ડેવિડ વોર્નરે પણ તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા સોમવાર, જાન્યુઆરી 1, 2024ના રોજ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. સાથે જ સ્પષ્ટતા કરી છે કે તે ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.

37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને ઈચ્છા વ્યક્ત કરી કે, જો ઓસ્ટ્રેલિયન ટીમને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની જરૂર પડશે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેની અંતિમ ટેસ્ટ મેચ રમવા પહેલા ડેવિડ વોર્નરે ખુલાસો કર્યો હતો કે, નવેમ્બરમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ફાઇનલ 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મેચ હતી.

ડેવિડ વોર્નરે સોમવારે સિડનીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હું ચોક્કસપણે વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતમાં જીતવા માટે (2023માં ભારતમાં) વર્લ્ડ કપ (50-ઓવર) દરમિયાન મેં આ કંઈક કહ્યું હતું. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે.'

ડેવિડ વોર્નરે કહ્યું, 'તેથી આજે હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી રહ્યો છું, જે મને વિશ્વભરની અન્ય લીગમાં રમવાની તક પણ આપશે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂંક સમયમાં યોજાશે. જો હું આ બે વર્ષમાં સારું ક્રિકેટ રમીશ અને તેઓ મારી જરૂરિયાત અનુભવશે તો હું પસંદગી માટે ઉપલબ્ધ થઈશ.

વિશ્વના વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ડેવિડ વોર્નરના નામે બે ODI વર્લ્ડ કપ ટાઇટલ છે. જેમાં વર્લ્ડ કપ 2023માં ભારત સામેની અંતિમ જીત પણ સામેલ છે. ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે 2009માં હોબાર્ટમાં સાઉથ આફ્રિકા સામે તેની ODI કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં 161 ODI મેચ રમી હતી. જેમાં તેણે 45.30ની એવરેજથી 6932 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેના નામે 22 સદી અને 33 અડધી સદી નોંધાયેલી છે. ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે છઠ્ઠા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં રિકી પોન્ટિંગ પછી ડેવિડ વોર્નર બીજા ક્રમે છે. રિકી પોન્ટિંગે વોર્નર કરતા 205 વધુ ઇનિંગ્સ રમી હતી. ડેવિડ વોર્નરે અત્યાર સુધી 111 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેના નામે 44.58ની એવરેજથી 8695 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 26 સદી અને 36 અડધી સદી નોંધાયેલી છે.

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેશે. ડેવિડ વોર્નરને આશા છે કે, જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર વર્લ્ડ કપમાં તેને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. વોર્નર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધા પછી તે વિશ્વની અન્ય T20 લીગમાં પણ રમે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp