'100 શું, ત્યાં 10 ગ્રામ પણ ન ચાલે', શા માટે સાક્ષીએ વિનેશ વિશે કહ્યું આવું?
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 Kg ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ચાહકોને આશા હતી કે, વિનેશ ફાઈનલ મેચ જીતીને ઈતિહાસ રચશે, કારણ કે ભારત અત્યાર સુધી કુસ્તીમાં કોઈ ઓલિમ્પિક ગોલ્ડ જીતી શક્યું નથી. પરંતુ ફાઈનલ પહેલા એક એવા સમાચાર આવ્યા જેણે ફેન્સને ચોંકાવી દીધા. વિનેશને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જ્યારે ફાઈનલ મેચ પહેલા તેનું વજન માપવામાં આવ્યું તો તે 50 Kg કરતાં 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું.
હવે ભારતીય રેસલર સાક્ષી મલિકે વિનેશ ફોગાટ પર નિવેદન આપ્યું છે. સાક્ષી મલિકે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પેરિસ ઓલિમ્પિક દરમિયાન વિનેશ સાથે બનેલી ઘટનાને યાદ કરી હતી. સાક્ષીએ કહ્યું કે, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) નિયમો અનુસાર 10 ગ્રામ વધારે વજનની પણ મંજૂરી આપતું નથી. સાક્ષીની આત્મકથા વિટનેસ પ્રકાશિત થઈ હતી, જેમાં આ કુસ્તીબાજએ તેની કારકિર્દી સાથે જોડાયેલી સિદ્ધિઓ અને વિવાદો પર પ્રકાશ ફેંક્યો છે.
સાક્ષી મલિકે કહ્યું, 'હું ત્યાં નહોતી, પરંતુ 100 ગ્રામ વજન ઓછું કરવું પણ ખૂબ મુશ્કેલ છે. UWW મુજબ, જો તમારું વજન 10 ગ્રામથી પણ વધી જાય તો તમે બહાર થઈ જશો. વિનેશનું તો 100 ગ્રામ વધારે હતું. UWW 10 ગ્રામની પણ મંજૂરી આપતું નથી. બજરંગ અને મારી પાસે ઓલિમ્પિક મેડલ હતા. પરંતુ વિનેશ તેનું સ્વપ્ન છોડીને ઉપવાસ પર બેસી ગઈ હતી.'
સાક્ષી કહે છે, 'તે કોઈ કરતાં નબળી નહોતી. તેણે તે સાબિત કર્યું અને ફાઇનલમાં પહોંચી. હું જાણું છું કે તે તેના માટે કેટલું મુશ્કેલ હતું. વજન ઘટાડવા માટે તેણે વાળ પણ કપાવ્યા. કોસ્ચ્યુમ પણ કાપ્યો. મેં પણ વજન ઓછું કરવા માટે ઘણીવાર આવું કર્યું છે. તેની સાથે જે પણ થયું તે સારું નહોતું. તે પહેલા જ હારી ગઈ હોત, તે ભારતમાં જ હારી ગઈ હોત. જેની સાથે ફાઇનલમાં મુકાબલો થવાનો હતો તેને વિનેશે ચાર મહિના પહેલા જ હરાવી હતી.'
કુસ્તીબાજ સાક્ષી મલિકને કુસ્તી વારસામાં મળી હતી, કારણ કે તેના દાદા બદલુ રામ જાણીતા કુસ્તીબાજ હતા. 12 વર્ષની ઉંમરે જ સાક્ષીએ કુસ્તી શીખવા માટે અખાડામાં જવાનું શરૂ કર્યું. સાક્ષી મલિકે 17 વર્ષની ઉંમરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ત્યારપછી 2009માં સાક્ષીએ એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો હતો.
આ પછી, વર્ષ 2010માં, સાક્ષીએ શાનદાર પ્રદર્શન કર્યું અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. ત્યાર પછી સાક્ષીએ 2012માં એશિયન જુનિયર ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. સાક્ષીની કારકિર્દીની સૌથી મોટી ક્ષણ રિયો ઓલિમ્પિક (2016) હતી, જ્યાં તેણે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સાક્ષી ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp