'જ્યારે નંબર-1 પર હતી ત્યારે લોકો કહેતા સેટલ થઈ જા',સાનિયાનો મેસેજ વાંચવો જરૂરી

PC: twitter.com

'2005માં, જ્યારે હું વિશ્વની નંબર 1 ખેલાડી હતી, ત્યારે દુનિયા જાણવા માંગતી હતી કે, હું ક્યારે સેટલ થઈ રહી છું.' આ શબ્દો છે સાનિયા મિર્ઝાના. હકીકતમાં, અર્બન કંપનીએ X એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે મહિલાઓ સાથે થતા ભેદભાવને લગતી એક એડની લિંક એમ્બેડ કરી હતી. આ પોસ્ટનો ઉલ્લેખ કરીને સાનિયા મિર્ઝાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સાનિયા મિર્ઝાના પતિ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. જોકે, સાનિયા મિર્ઝા એ પહેલા જ શોએબ મલિકથી અલગ થઈ ગઈ હતી.

સાનિયા મિર્ઝાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'વર્ષ 2005માં હું WTA ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. તે મોટી વાત છે, બરાબર ને? જ્યારે હું ટેનિસની ડબલ્સ કેટેગરીમાં વિશ્વની નંબર 1 ખેલાડી હતી ત્યારે લોકો જાણવા માંગતા હતા કે, હું ક્યારે સેટલ થવાની છું. શું છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવું એ સમાજ પ્રમાણે સેટલ થવા બરાબર ન હતું? મારી આ ટેનિસ યાત્રા દરમિયાન મને મળેલા સમર્થન માટે હું આભારી છું. પરંતુ સ્ત્રીની સિદ્ધિઓ, તેના કૌશલ્યો અને કાર્યને બદલે મહિલાઓ પાસેની અપેક્ષાઓ અને તેના દેખાવ વિશે વધુ ચર્ચા શા માટે થાય છે, તે વિચારવાથી વ્યક્તિ પોતાને રોકી શકતી નથી.

અર્બન કંપનીની આ એડ જોયા પછી મારા મનમાં પણ આવા જ વિચારો આવ્યા. હું જાણું છું કે સમાજની વાસ્તવિકતા વિશે વાત કરવી સરળ નથી. અને કેટલીકવાર આ ખૂબ મુશ્કેલ હોય છે. આપણે મહિલાઓની સફળતાને કેવી રીતે જોઈએ છીએ અને આપણે તેને પોતાની સાથે કેવી રીતે જોડી દઈએ છીએ, તે બાબતે વિચારવું જરૂરી છે, જે ઘણા સમયથી કરવામાં આવ્યું નથી.'

અર્બન કંપનીની એડ એક બ્યુટિશિયનની વાર્તા પર હતી. વીડિયોનું શીર્ષક હતું ‘છોટી સોચ’. જાહેરાતમાં એક મહિલા કાર ખરીદે છે. જેના પર તેના પાડોશીઓ અને નાનો ભાઈ અનેક પ્રશ્નો પૂછે છે. તેનો ભાઈ કહે છે કે, લોકો તેને ચીડવે છે કે, તારી બહેન કાર કેવી રીતે ખરીદીને લાવી છે. લોકો એડમાં મહિલાના પાત્રને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 20 જાન્યુઆરી 2024ના રોજ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. આ પછી સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સાનિયા અને શોએબના અલગ થવાની જાણકારી આપી હતી. તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, સાનિયા અને શોએબના થોડા મહિનાઓ પહેલા જ (શોએબના લગ્નના થોડા મહિના પહેલા) છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી સાનિયાએ પણ શોએબને તેના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp