WPL: કોણ છે કાશવી ગૌતમ, ગુજરાતે 20 ગણી કિંમત ચૂકવી, કેમ બધી ટીમ લેવા પાછળ પડેલી
જ્યારે WPL 2024ના ઓક્શન ટેબલ પર કાશવી ગૌતમનું નામ દેખાયું, ત્યારે બોલી લગાવનારાઓ વચ્ચે સ્પર્ધા લાગી હતી. એકવાર બોલી શરૂ થયા પછી, ટીમોએ તિજોરી ખોલી નાખી. પંજાબની 20 વર્ષીય ખેલાડીની મૂળ કિંમત માત્ર 10 લાખ રૂપિયા હતી, પરંતુ ગુજરાત જાયન્ટ્સે તેને 2 કરોડ રૂપિયા એટલે કે 20 ગણી કિંમત ચૂકવીને ટીમમાં સામેલ કરી. જ્યારે બિડિંગ શરૂ થયું ત્યારે બધાને આશ્ચર્ય થયું. ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે, ઘણી ટીમોએ આ અજાણ્યા નામ માટે તિજોરી કેમ ખોલી દીધી હતી.
હકીકતમાં, 20 વર્ષીય ચંદીગઢની ક્રિકેટર કાશવી ગૌતમે તાજેતરમાં લખનઉમાં BCCI સિનિયર મહિલા ઇન્ટર-ઝોનલ T20 ટ્રોફીમાં નોર્થ ઇસ્ટ ઝોન સામે નોર્થ ઝોન માટે હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી હતી. તેના આધારે તેને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે 16 સભ્યોની ભારત-A મહિલા ટીમમાં પણ પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેણે 2020માં BCCI મહિલા અંડર-19 ODI ટ્રોફીમાં એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે.
બે બહેનોમાં મોટી જમણા હાથની ઝડપી બોલર કાશવીએ તેની કાકી સુનીતા શર્માના કહેવાથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 6 વર્ષની ઉંમરે કાશવી સેક્ટર 37માં પડોશના છોકરાઓ સાથે સ્ટ્રીટ ક્રિકેટ રમતી હતી. કાશવી સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે 2020માં આંધ્ર પ્રદેશના કડપામાં BCCI મહિલા અન્ડર-19 ODI ટૂર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે તમામ 10 વિકેટો લીધી. આનો અર્થ એ પણ થયો કે આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની. કાશવી 2020માં મહિલા T20 ચેલેન્જમાં ટ્રેલબ્લેઝરનો પણ એક ભાગ હતો.
આ વર્ષે, કાશવીએ BCCI સિનિયર મહિલા T20 ટ્રોફીમાં ચંદીગઢ માટે 12 વિકેટ લીધી હતી અને કુલ 112 રન બનાવ્યા હતા. યુવા ખેલાડી બાંગ્લાદેશમાં રમાયેલા ACC ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમનો પણ એક ભાગ હતી. કાશવીને ટુર્નામેન્ટમાં માત્ર બે મેચ રમવાની તક મળી હતી જ્યાં મોટાભાગની મેચો વરસાદને કારણે રદ્દ થઈ હતી.
આ જ કારણ છે કે ગુજરાત જાયન્ટ્સે તેના પર મોટી બોલી લગાવી છે. તે આ હરાજીમાં વેચાયેલી સંયુક્ત ટોચની ખેલાડી છે, જ્યારે અનકેપ્ડ તરીકે સૌથી મોંઘી છે. 20 વર્ષની આ ખેલાડીએ 24 T20 મેચ રમી છે જેમાં તેણે 22 વિકેટ ઝડપી છે. તે 5.82ના અત્યંત નબળા ઇકોનોમી રેટથી બોલિંગ કરે છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 18 રનમાં 3 વિકેટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp