શું ભારત 15 મહિનામાં 3 ICC ટાઇટલ જીતશે? રોહિત બ્રિગેડ પાસે ઈતિહાસ રચવાની મોટી તક
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવામાં વ્યસ્ત છે. હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે જીતી લીધી હતી. ભારતીય ટીમે વિઝાગ (વિશાખાપટ્ટનમ), રાજકોટ અને રાંચી ટેસ્ટ મેચોમાં શાનદાર જીત સાથે શ્રેણીમાં અજેય લીડ મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાવાની છે.
ઈંગ્લેન્ડ શ્રેણી પછી ભારતીય ખેલાડીઓને આરામ મળવાનો નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)આ શ્રેણીના અંતના થોડા દિવસો પછી શરૂ થશે. IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવશે. જો જોવામાં આવે તો ભારતીય ટીમ માટે આગામી 15 મહિના ઘણા મહત્વના રહેવાના છે. આ 15 મહિનામાં ત્રણ મોટી ICC ટૂર્નામેન્ટ યોજાવાની છે.
ભારતીય ટીમની પ્રથમ મોટી કસોટી T20 વર્લ્ડ કપ 2024માં થવાની છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં રમાશે. 20 ટીમોની આ ટુર્નામેન્ટ નોકઆઉટ સહિત કુલ 3 તબક્કામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ Aમાં આયર્લેન્ડ, પાકિસ્તાન, USA અને કેનેડાની સાથે રાખવામાં આવી છે. ભારતીય ટીમની પ્રથમ ત્રણ ગ્રુપ મેચ ન્યૂયોર્કમાં યોજાશે.
અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્માના નેતૃત્વમાં જ ભારત T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. તેની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે થશે. જ્યારે ભારતીય ટીમ તેની ત્રીજી ગ્રુપ મેચ USA સામે 12 જૂને રમશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 15 જૂને કેનેડા સામે છે. ભારતીય ટીમ આરામથી સુપર-6 સ્ટેજમાં પહોંચી જશે તેવી પૂરી આશા છે. ત્યાર પછી ભારતીય ટીમે ટાઈટલ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
આ પછી, આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી છે. ગયા વર્ષે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ ICC સાથે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમ છતાં, આ ટૂર્નામેન્ટ ચોક્કસપણે પાકિસ્તાનમાં યોજાશે કે તેને કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવશે તે અંગે સસ્પેન્સ છે.
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય છે કે નહીં. શક્ય છે કે એશિયા કપ 2023ની તર્જ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું પણ હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજન કરવામાં આવે. BCCIએ 2023 એશિયા કપ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી, PCBને એશિયા કપ હાઇબ્રિડ મોડલ હેઠળ કરાવવાની ફરજ પડી હતી. અહીં તમને જણાવી દઈએ કે, ભારત બે વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. હવે તેની નજર ત્રીજી વખત ખિતાબ જીતવા પર રહેશે.
ત્યારપછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ જૂન 2025માં ઇંગ્લિશ ધરતી પર રમાનાર છે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ફાઇનલ મેચ રમાશે. ખાસ વાત એ છે કે, સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં રમાશે. આ પહેલા પણ 2021 અને 2023ની WTC ફાઈનલ પણ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. જો કે તે બંને ફાઈનલ મેચ ભારતીય ટીમ માટે યાદગાર રહી ન હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભારતીય ટીમ ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું. આ વખતે જો તે ફાઈનલમાં પહોંચશે તો ચોક્કસપણે તે ટાઈટલ જીતવાની તક ગુમાવવા ઈચ્છશે નહીં.
જો જોવામાં આવે તો, ભારતીય ટીમ લગભગ 11 વર્ષથી ICCનું એકપણ ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. ભારતે છેલ્લે 2013માં ICC ટાઈટલ જીત્યું હતું. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં તેણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે ચેમ્પિયન્સ ટ્રોફીથી, ભારતીય ટીમે 10 ICC ટૂર્નામેન્ટ રમી છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમ 5 વખત ફાઈનલ અને 4 વખત સેમિફાઈનલ રમી હતી. જ્યારે એક પ્રસંગે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજ (2021 T20 વર્લ્ડ કપ)માંથી બહાર થઈ ગઈ હતી.
ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન (2013 પછી): 2014-T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર, 2015-ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર, 2016-T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર, 2017-ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર, 2019-ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર, 2021-વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર, 2021 T20 વર્લ્ડ કપ-ગ્રુપ સ્ટેજમાંથી બહાર, 2022-T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર, 2023-વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યો, 2023-ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp