શું રોહિત અને વિરાટ રમશે T20 વર્લ્ડ કપ? બ્રાયન લારાએ કહ્યું- બંને જાણે છે કે...

PC: latestly.com

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે T20 સિરીઝ રમી રહી છે. બીજી T20 આજે તિરુવનંતપુરમમાં રમાવાની છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે 209 રનનો વિશાળ લક્ષ્યાંક મેળવ્યો હતો. T-20 વર્લ્ડ કપના દૃષ્ટિકોણથી આ શ્રેણી મહત્વપૂર્ણ છે. જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા વચ્ચે વર્લ્ડ કપની મેચો સંયુક્ત રીતે રમવાની છે. હાલમાં જ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સતત 10 મેચ જીતી હતી, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ T-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બ્રાયન લારાએ બંને ખેલાડીઓ વિશે મોટી વાત કહી છે.

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહ્યું કે, મને લાગે છે કે ઈન્ડિયા જે પણ ટીમ પસંદ કરશે તે મજબૂત હશે. પરંતુ તમે અનુભવી ખેલાડીઓની જગ્યા બદલી શકતા નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમની સાથે અનુભવ લાવે છે. તેઓ કેરેબિયન પરિસ્થિતિઓ જાણે છે, તેઓ ત્યાં રમ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરતા 597 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 3 સદીની મદદથી 700થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

બ્રાયન લારાએ કહ્યું કે, મને લાગે છે કે બંને દિગ્ગજ પ્રકારના ખેલાડીઓ છે, મને ખાતરી છે કે તેઓ જાણે છે કે, તેઓ શું કરવા માંગે છે, તેઓ કેટલું કરવા માંગે છે. આવી સ્થિતિમાં રોહિત અને વિરાટ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકે તેવી આશા છે. અહીં તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2013થી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પછી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે T-20 શ્રેણી રમવાની છે. આ પછી IPL 2024 છે. ટીમ સિલેક્શન માટે T20 લીગનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે.

35 વર્ષના વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં એક સદી અને 37 અડધી સદીની મદદથી 4008 રન બનાવ્યા છે. T20માં કુલ 8 સદી અને 91 અડધી સદીની મદદથી 11965 રન બનાવ્યા છે. 36 વર્ષના રોહિત શર્માના રેકોર્ડ પર નજર કરીએ તો, તેણે T20 ઈન્ટરનેશનલમાં 4 સદી અને 27 અડધી સદીની મદદથી 3853 રન બનાવ્યા છે. ઓવરઓલ T20માં પણ તેના નામે 11 હજારથી વધુ રન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp