શું રોહિત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે? જય શાહે જુઓ શું કહ્યું

PC: hindi.cricketaddictor.com

T-20 વર્લ્ડ કપ 2024માં હવે વધુ સમય બાકી નથી. આગામી T20 વર્લ્ડ કપ જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં રમાવાનો છે. ભારતીય ટીમે પણ T20 વર્લ્ડની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 મેચ રમી હતી. હવે તેણે દક્ષિણ આફ્રિકા સામે તેમની ધરતી પર ત્રણ મેચની T-20 શ્રેણી પણ રમવાની છે.

ખેર, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કોણ કરશે, તે અંગે સસ્પેન્સ ચાલુ છે. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો સત્તાવાર કેપ્ટન હોઈ શકે છે, પરંતુ તેણે છેલ્લા એક વર્ષમાં ભારત માટે એકપણ T-20 મેચ રમી નથી. રોહિતની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ ગયા વર્ષે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે હતી.

મીડિયામાં એવા અહેવાલો છે કે, રોહિત આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આગેવાની કરશે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ શાહે આ મામલે મોટી વાત કહી છે. જય શાહે કહ્યું કે, આ મામલે નિર્ણય લેવા માટે હજુ પૂરતો સમય છે.

જય શાહે શનિવારે મુંબઈમાં પત્રકારોને કહ્યું હતું કે, 'હમણાં આ અંગે સ્પષ્ટતાની શું જરૂર છે? T-20 વર્લ્ડ કપ જૂનમાં શરૂ થઈ રહ્યો છે. આ પહેલા અમારી પાસે IPL અને અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ છે.' શાહે એ પણ જણાવ્યું કે, 'BCCIની પોતાની જમીન પર બની રહેલું નવું NCA આવતા વર્ષે ઓગસ્ટથી કામ કરવાનું શરૂ કરશે.'

જય શાહે કહ્યું કે, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેની ટીમના કાર્યકાળ અંગે અંતિમ નિર્ણય દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂરો થયા પછી જ લેવામાં આવશે. તેમણે કહ્યું, 'અમે તેમનો કાર્યકાળ લંબાવ્યો છે પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટ ફાઈનલ કર્યો નથી. અમારી પાસે બિલકુલ સમય નહોતો. મેં દ્રવિડ અને સપોર્ટ સ્ટાફ સાથે મીટિંગ કરી હતી અને અમે પરસ્પર સંમતિથી કાર્યકાળ વધારવા સંમત થયા હતા. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી અમે ફરી મળીશું અને આ અંગે નિર્ણય લઈશું.'

છેલ્લા T20 વર્લ્ડ કપ પછીથી હાર્દિક પંડ્યાએ મોટાભાગની મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. T20 વર્લ્ડ કપ 2022થી ભારતીય ટીમે કુલ 23 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન પસંદગીકારોએ 3 વખત કેપ્ટન બદલ્યા. T20 વર્લ્ડ કપ પછી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ પર કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ત્યારપછી એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ સુકાની હતા, જ્યારે સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની કમાન સોંપવામાં આવી હતી.

જ્યારે અમે વર્લ્ડ કપ 2023 અને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ ત્રણ ખેલાડીઓ પર નજર નાખી તો અમને ખબર પડી કે રવિચંદ્રન અશ્વિન 37 વર્ષનો છે. ભારતીય વનડે કેપ્ટન રોહિત શર્મા 36 વર્ષનો છે. વિરાટ કોહલી પણ 35 વર્ષનો થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રણેયએ પોતાની છેલ્લી T20 મેચ 10 નવેમ્બર 2022ના રોજ એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જે T20 વર્લ્ડ કપ 2022ની સેમી ફાઈનલ મેચ હતી.

આમ જોવામાં આવે તો, રોહિત શર્માએ છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને ODI ક્રિકેટમાં પોતાનો અંદાજ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં તેણે 125.94ની સ્ટ્રાઈક રેટથી 597 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપ માટે તેની દાવેદારી પણ મજબૂત લાગી રહી છે. જો કે હાર્દિકની ફિટનેસ ચિંતાનો વિષય હોવાથી રોહિત T20 ટીમમાં માત્ર ઓપનિંગ બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ પરત ફરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp