વર્લ્ડ કપની બહાર નીકળેલા પાકિસ્તાને રડવાનું ચાલુ કર્યું, ભારત પર લગાવ્યો આ આરોપ

PC: PCB

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલની ટિકિટ મેળવી હતી. જો કે આ મેચમાં ભારતીય ટીમની જીતને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાની દિગ્ગજ ઈન્ઝમામ ઉલ હક અને સલીમ મલિક તરફથી.

હકીકતમાં, 24 જૂને રમાયેલી આ સુપર-8 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેનો બોલ ઘણો સ્વિંગ થઈ રહ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાની દિગ્ગજોએ ભારતીય બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો.

ઈન્ઝમામ-ઉલ-હક અને સલીમ મલિકે મેચમાં ભારતીય બોલર અર્શદીપ સિંહ દ્વારા મેળવેલી રિવર્સ સ્વિંગ વિશે ઘણું બધું કહ્યું. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ પર બોલતા ઈન્ઝમામે કહ્યું, 'ઈનિંગની 15મી ઓવરમાં અર્શદીપ સિંહને સ્વિંગ મળી રહ્યો હતો, આ વિચારવા જેવી વાત છે. નવા બોલ સાથે તે ખૂબ જ વહેલું છે. આનો અર્થ એ થયો કે 12મી અને 13મી ઓવર સુધીમાં બોલ રિવર્સ થવા માટે તૈયાર હતો. જ્યારે તે 15મી ઓવર નાખવા આવ્યો, તો બોલ સ્વિંગ થવા લાગ્યો. અમ્પાયરોએ અહીં પણ તેમની આંખો ખુલ્લી રાખવી જોઈએ.'

ઈન્ઝમામે વધુમાં કહ્યું કે, 'જો પાકિસ્તાની બોલરોનો બોલ આ રીતે સ્વિંગ થઈ રહ્યો હોત તો અવાજ ઉઠ્યો હોતે. અમે રિવર્સ સ્વિંગ સારી રીતે જાણીએ છીએ. જો 15મી ઓવરમાં અર્શદીપનો બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હોય, તો તેનો અર્થ એ છે કે, બોલ પર ગંભીર કામ કરવામાં આવ્યું છે. જો બુમરાહનો બોલ રિવર્સ સ્વિંગ થતો હોત તો તેનું કારણ તેની એક્શન બની હોત. પરંતુ જો કોઈ બીજાનો બોલ સ્વિંગ થઈ રહ્યો હોય, તો તેનો અર્થ એ છે કે, બોલ પર કોઈ કામ (ટેમ્પરિંગ) થઈ રહ્યું છે. મને લાગે છે કે વિકેટ સખત હતી, તેથી જ બોલ રહી ગયો. અમ્પાયરોએ તેમની આંખો ખુલ્લી રાખવી જોઈએ.'

સલીમ મલિક પણ ઈન્ઝમામના આ નિવેદન સાથે સહમત છે. તેણે કહ્યું, 'એકવાર અમે ઝિમ્બાબ્વેમાં મેચ રમી રહ્યા હતા. આ દરમિયાન બોલને એક બાજુથી ભીનો કરવામાં આવ્યો હતો. જ્યારે અમે આ અંગે ફરિયાદ કરી તો અમારા પર દંડ ફટકારવામાં આવ્યો.'

સલીમ મલિકે કટાક્ષ કરતાં કહ્યું, 'ઘણી વખત મેચમાં એટલું દબાણ હોય છે કે, અમ્પાયર પણ જાણી શકતા નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ખૂબ જ દબાણભરી રહી હતી. તેથી તે પણ જોઈ શક્યા નહીં. કેટલીક ટીમો માટે અમ્પાયરની આંખો બંધ હોય છે.'

અહીં તમને જણાવી દઈએ કે, ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન પણ કેટલાક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ વિચિત્ર સવાલો ઉઠાવ્યા હતા. તે દરમિયાન હસન રઝાએ પણ બોલને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp