ઐયર-કિશનની હકાલપટ્ટી પર સાહાએ કહ્યું- કોઈ સાથે જબરદસ્તી...

PC: twitter.com

શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને BCCIએ વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર કરતા હોબાળો મચી ગયો છે. અમુક લોકો આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, તો અમુક લોકો અને ક્રિકેટરો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. BCCIનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે ખેલાડી ઈન્ટરનેશનલ મેચ ના રમતો હોય ત્યારે તેણે ડોમેસ્ટીક ક્રિકેટ રમવું પડશે અને ઐયર અને ઈશાન કિશન બંનેએ BCCIની આ વાત ન માની અને વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી હાથ ધોવો પડ્યો.

પરંતુ હવે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ ઐયર અને કિશનના સમર્થનમાં વાત કરી છે. સાહાનું કહેવું છે કે, કોઈ ક્રિકેટરને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટે જબરદસ્તી ન કરી શકાય. સાહાએ કહ્યું હતું કે, આ BCCIનો નિર્ણય છે અને સંબંધિત ખેલાડીઓનો વ્યક્તિગત નિર્ણય છે. તમે જબરદસ્તી ન કરી શકો.

સાહાએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક ક્રિકેટરને દરેક મેચને સમાન મહત્ત્વ આપવું જોઈએ. જ્યારે પણ હું ફીટ હો છું હું રમું છું, મેં તો ક્લબ મેચ પણ રમી છે. ઓફિસની મેચ પણ રમી છે. હું હંમેશાં એક મેચને એક મેચ તરીકે લઉં છું. મારા માટે તમામ મેચ બરાબર છે. જો દરેક ખેલાડી એવી રીતે વિચારવા લાગે તો તે પોતાના કરિયરમાં ફક્ત સમૃદ્ધ થશે અને ભારતીય ક્રિકેટ માટે પણ સારું થશે. મને લાગે છે ઘરેલું ક્રિકેટનું હંમેશાં મહત્ત્વ રહે છે.

સાહાએ કહ્યું- જો કોઈ ખેલાડી ઘરેલુ ક્રિકેટ  ન રમવા માગતો હોય તો તેની સાથે જબરદસ્તી ના કરી શકાય પણ ઘરેલું ક્રિકેટ જ આધાર છે, દરેક ખેલાડીને આગળ વધવા માટે આને મહત્ત્વ આપવું જોઈએ.

શ્રેયસ અને ઇશાનની હકાલપટ્ટી પર જુઓ ઈરફાન પઠાણે શું કહ્યું

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24 પર સવાલ ઉઠાવ્યા છે. શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશનને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી, જ્યારે બંને તેના હકદાર હતા. ઈરફાન પઠાણે શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશનનું સમર્થન કર્યું છે અને BCCIના બેવડા વલણ પર સવાલ ઉઠાવ્યા છે કેમ કે તેણે હાર્દિક પંડ્યા જેવા ખેલાડીને ગ્રેડ-Aમાં સામેલ કર્યો છે. તો શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશન કોઈ પણ ગ્રેડમાં સામેલ નથી.

ઈરફાન પઠાણે ગુરુવારે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, 'શ્રેયસ અને ઇશાન બંને જ પ્રતિભાશાળી ખેલાડી છે. આશા છે કે તેઓ કમબેક કરશે. જો હાર્દિક જેવા ખેલાડી લાલ બૉલ ક્રિકેટ રમવા માગતા નથી, તો શું તેમને અને તેમના જેવા અન્ય લોકોને નેશનલ ડ્યૂટી પર ન હોવા પર સફેદ બૉલવળી ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ? જો એ બધા પર લાગૂ થાય છે તો ભારતીય ક્રિકેટ ઈચ્છા મુજબ પરિણામ હાંસલ નહીં કરી શકે.'

BCCIના ક્રાઇટએરિયા છે કે જો કોઈ ખેલાડીએ 1 ઑક્ટોબર બાદ અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર થવા સુધી 3 ટેસ્ટ, 8 વન-ડે કે 10 T20I રમી છે તો તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવે છે. ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યર બંને તેમાં ફિટ બેસે છે. તેમને વાર્ષિક કોન્ટ્રાક્ટની લિસ્ટમાં જગ્યા મળી નથી, જ્યારે 5 મેચો બાદ જ વર્લ્ડ કપ 2023થી બહાર થનાર હાર્દિક પંડ્યાને ગ્રેડ-Aમાં સામેલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp