ક્રિકેટ કોચે આ ખેલાડીને કહ્યો વિરેન્દર સેહવાગ અને સૌરવ ગાંગુલીનું મિશ્રણ

PC: twitter.com

ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ છેલ્લા કેટલાક સમયથી પોતાની તોફાની બેટિંગના કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે તે ભારતીય T20 સેટઅપમાં પોતાની જગ્યા બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં પણ તેનું બેટ જોરદાર બોલે છે. પ્રથમ T20માં તેણે 8 બોલમાં 21 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે બીજી T20માં તેણે 25 બોલમાં 53 રન બનાવીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. પાવરપ્લેમાં યશસ્વી જયસ્વાલને આ રીતે બેટિંગ કરતા જોઈને તેનામાં વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળે છે. જોકે, તેના બાળપણના કોચનું માનવું છે કે યશસ્વી વીરેન્દ્ર સેહવાગનું અપગ્રેડેડ વર્ઝન છે અને તે સેહવાગ અને ગાંગુલીનું મિશ્રણ પણ છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, યશસ્વી જયસ્વાલના બાળપણના કોચ જ્વાલા સિંહે કહ્યું, 'તે તેમનું (વીરેન્દ્ર સેહવાગ) વર્ઝન છે, વીરેન્દ્ર સેહવાગનું અપગ્રેડેડ વર્ઝન છે. સેહવાગ ચોક્કસપણે ઘણો મોટો ખેલાડી છે. સેહવાગ જ્યારે રમતા ત્યારે T-20 ક્રિકેટ વધારે નહોતું રમાતું. જે આપણે આજે રમીએ છીએ તે T20 ક્રિકેટની સરખામણી દસ વર્ષ પહેલાની સાથે કરીએ તો ઘણો તફાવત હતો. યશસ્વી એ વીરેન્દ્ર સેહવાગનું અપગ્રેડેડ વર્ઝન છે, તેનું કારણ એ છે કે, તે ખૂબ જ યોગ્ય ટેકનિકથી તમામ પ્રકારના શોટ્સ રમે છે.'

તેણે આગળ કહ્યું, 'યશસ્વીમાં ઘણા ખેલાડીઓનું પ્રતિબિંબ છે. જો તમે તેનો સ્ક્વેર કટ જુઓ તો તે સૌરવ ગાંગુલીની જેમ હિટ કરે છે. તેની ઓફસાઇડ ગેમ સૌરવ ગાંગુલી જેવી છે અને તેના પુલ્સ અને કટ વીરેન્દ્ર સેહવાગ જેવા છે. તે બે મહાન ખેલાડીઓનું મિશ્રણ છે, સેહવાગ અને ગાંગુલી. તે વીરેન્દ્ર સેહવાગનો નીડર અને અપગ્રેડ વર્ઝન છે. તે નિર્ભયતાથી શોટ રમે છે અને બોલ પર આક્રમણ કરે છે. તે ઘણા લોકોની જેમ તેની વિકેટ વિશે વિચારતો નથી, તે ઇનિંગ્સ બનાવવાનું શરૂ કરે છે અને તેને સારી શરૂઆત મળી જાય છે.'

ભારતીય ટીમમાં ડેબ્યુ કરતા પહેલા યશસ્વી જયસ્વાલે IPL 2023માં પોતાની પ્રતિભાનો દમદાર પ્રદર્શન કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ માટે ઇનિંગ્સની શરૂઆત કરતા તેણે 625 રન બનાવ્યા હતા. IPLની એક સિઝનમાં અનકેપ્ડ પ્લેયર દ્વારા બનાવેલા આ સૌથી વધુ રન હતા. તેણે આ સિઝનમાં 13 બોલમાં IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને 'ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન' એવોર્ડના રૂપમાં પુરસ્કાર મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp