યશસ્વી જૈસવાલે ટેસ્ટ ક્રિક્રેટનો ઇતિહાસ બદલી નાંખ્યો, 147 વર્ષમાં પહેલીવાર...

PC: twitter.com/BCCI

ટીમ ઇન્ડિયાના યુવાન ક્રિક્રેટર યશસ્વી જૈસવાલે ઇંગ્લેંડ સામેની ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચી દીધો છે. 147 વર્ષમાં આવું કરનારો યશસ્વી પહેલો ખેલાડી બની ગયો છે. શનિવારે રિટાયર્ડ હર્ટ થયા પછી યશસ્વી ફરી મેદાનમાં આવ્યો હતો અને ધમાકેદાર બેટીંગ કરીને ઇંગ્લેંડના બોલરોના છક્કા છોડાવી દીધા હતા. યશસ્વીએ એવો રેકોર્ડ બનાવ્યો જેમાં તેણે રોહિતને પણ પાછળ છોડી દીધો છે.

રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ પર રમાઇ રહેલી ઇંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જૈસવાલે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે આ મેચની બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરી અને સિક્સર ફટકારી. યશસ્વી જૈસવાલે આ સિરીઝમાં એક એવું કારનામું કર્યું છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી.

યશસ્વી જૈસવાલ આ સીરિઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે સીરિઝમાં 20થી વધુ સિક્સર ફટકાર્યા છે.આ સાથે યશસ્વી જૈસવાલ ક્રિકેટના ઈતિહાસમાં ટેસ્ટ શ્રેણીમાં 20 કે તેથી વધુ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં 19 છગ્ગા ફટકાર્યા હતા.

એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે સિક્સર ફટકાનારા ખેલાડીઓની વાત કરીએ તો યશસ્વી જૈસવાલ ઇંગ્લેંડ સામેની મેચમાં 22 સિક્સર મારીને પહેલા નંબરે આવી ગયો છે. એ પહેલાં વર્ષ 2019માં રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે 19 સિક્સર માર્યા હતા. વર્ષ 2023માં બેન સ્ટોક્સે ઓસ્ટ્રેલિયા સામે 15 સિક્સર ફટકાર્યા હતા.શિમરેન હેમીમીરએ બાંગ્લાદેશ સામે 2018માં 15 સિક્સર માર્યા હતા.

યશસ્વી જૈસવાલે આ ઇનિંગમાં 236 બોલમાં અણનમ 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જૈસવાલે 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ પહેલા 1996માં વસીમ અકરમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટેસ્ટ ઈનિંગમાં 12 સિક્સર ફટકાર્યા હતા.

ટેસ્ટ મેચની એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની યાદીમાં યશસ્વી જૈસવાલ બરાબરી પર આવી ગયો છે. વસીમ અકરમે એક ઇનિંગમાં 12 સિક્સર ફટકાર્યાનો રેકોર્ડ છે. એ સિવાય નાથન એસ્ટેલ 11 સિક્સર, મેથ્યુ હેડન 11 સિક્સર, બ્રેડન મૈકુલમ 11 સિક્સર બેન સ્ટોક્સ 11 સિક્સર, કુસલ મેન્ડિસ 11 સિક્સર ફટકાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp