T20Iમાં બની ગયા 340+ રન, આ ઝીમ્બાબ્વેએ તોડ્યો ભારત અને નેપાળનો રેકોર્ડ
ઝીમ્બાબ્વે ક્રિકેટ ટીમે બુધવારે ઇતિહાસ રચી દીધો છે. ઝીમ્બાબ્વેએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવી નાખ્યો. ઝીમ્બાબ્વેએ ગામ્બિયા વિરુદ્ધ સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. આ કારનામું ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રીજનલ આફ્રિકા ક્વાલિફાયર ગ્રુપ B 2024ની મેચમાં જોવા મળ્યું. ઝીમ્બાબ્વે માટે કેપ્ટન સિકંદર રઝાએ વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે 43 બૉલમાં નોટ આઉટ 133 રનની ઇનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ છે. ઝીમ્બાબ્વેએ નેપાળ અને ભારતનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
ઝીમ્બાબ્વે અગાઉ T20 ઇન્ટરનેશનલમાં હાઇએસ્ટ ટોટલનો રેકોર્ડ નેપાળના નામે હતો. નેપાળે સપ્ટેમ્બર 2023માં મંગોલિયા વિરુદ્ધ 3 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા હતા. નેપાળ ફૂલ મેમ્બર નેશન નથી. તો ફૂલ મેમ્બર નેશન્સમાં T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટા ટોટલનો રેકોર્ડ ભારતના ખાતામાં હતો, જે હાલમાં જ બન્યો હતો. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે 12 ઓક્ટોબરે બાંગ્લાદેશ વિરુદ્ધ હૈદરાબાદના મેદાન પર 6 વિકેટ ગુમાવીને 297 રન જોડ્યા હતા. ભારત હવે હાઇએસ્ટ T20 ટોટલ લિસ્ટમાં ત્રીજા નંબર પર સરકી ગયું છે.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો ટીમ સ્કોર
344/4- ઝીમ્બાબ્વે વર્સિસ ગામ્બિયા, નૈરોબી, 2024
314/3- નેપાળ વર્સિસ મંગોલિયા, હાંગ્જો, 2023, એશિયન ગેમ્સ
297/6- ભારત વર્સિસ બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
286/5- ઝીમ્બાબ્વે વર્સિસ સેશેલ્સ, નૈરોબી, 2024
278/3 અફઘાનિસ્તાન વર્સિસ આયરલેન્ડ, દેહરાદૂન, 2019
274/4- ચેક ગણરાજ્ય વર્સિસ તુર્કી, ઇલફોવ કાઉન્ટી, 2019
268/4- મલેશિયા વર્સિસ થાઇલેન્ડ, હાંગ્જો, 2023, એશિયન ગેમ્સ
267/3- ઈંગ્લેન્ડ વર્સિસ વેસ્ટ ઇન્ડીઝ, તારોબા, 2023
મેચની વાત કરીએ તો ઝીમ્બાબ્વેએ નૈરોબીન મેદાન પર ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ઝીમ્બાબ્વેએ શાનદાર શરૂઆત કરી. ઓપનર બ્રાયન બેનેટ (26 બૉલમાં 50) અને તિદિવાનાશે મરૂમાની (19 બૉલમાં 62)એ પહેલી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી છઠ્ઠી ઓવરના ચોથા બૉલ પર મરૂમાની આઉટ થયા બાદ તૂટી. ડાયોન માયર્સ (12) વધુ કંઇ ન કરી શક્યો. ત્યારબાદ સિકંદર રઝાનું તોફાન આવ્યું. તેણે રયાન બર્લ (25) સાથે ચોથી વિકેટ માટે 60 રન જોડ્યા.
સિકંદરે ક્લાઇડ મંડાડે (17 બૉલમાં નોટ આઉટ 53) સાથે 5 વિકેટ માટે 141 રનની અતૂટ ભાગીદારી કરી. સિકંદરે 33 બૉલમાં સદી પૂરી કરી લીધી હતી. તે ઝીમ્બાબ્વે તરફથી T20 ઇન્ટરનેશનલમાં સદી ફટકારનારો પહેલો ખેલાડી છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગામ્બિયાની હાલત ખરાબ નજરે પડી. મુહમ્મદ મંગા ખાતું ખોલ્યા વિના જ આઉટ થઇ ગયો, ત્યારબાદ પણ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. આન્દ્રે જાર્જૂ (નોટ આઉટ 12)ને છોડીને કોઇ પણ ખેલાડી ડબલ ડિજિટનો આંકડો સ્પર્શી ન શક્યો. ગામ્બિયાની આખી ટીમ 14.4 ઓવરમાં માત્ર 54 રન પર ઓલ આઉટ થઇ ગઇ. ઝીમ્બાબ્વેએ 290 રનથી જીત મેળવી. ઝીમ્બાબ્વેએ T20 ઇન્ટરનેશનલમાં રનોના હિસાબે સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જે આગાઉ નેપાળના ખાતામાં હતો. નેપાળે મંગોલિયા સામે 273 રનોથી જીત હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp