ભારતીય શેરબજારમાં મંદીના આ છે કારણો, 20 હજાર કરોડ...

PC: tradebrains.in

છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય શેરબજારો ગગડી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ધડાધડ શેરો ફુંકી રહ્યા છે જેને કારણે બજાર નીચે તરફ સરકી રહ્યું છે.

અમેરિકામાં માં બોન્ડ યીલ્ડમાં વધારો અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ઉભી થયેલીઅનિશ્ચિતતા જોતા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 20,300 કરોડથી વધુ પાછા ખેંચી લીધા છે. જો કે, આ સમયગાળા દરમિયાન, FPIsએ પણ ભારતીય બોન્ડ માર્કેટમાં રૂ. 6,080 કરોડનું રોકાણ કર્યું છે.

ક્રેવિંગ આલ્ફાના સ્મોલકેસ મેનેજર અને મુખ્ય ભાગીદાર મયંક મહેરાએ જણાવ્યું હતું કે, આગળ જતાં, FPI રોકાણનો પ્રવાહ ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો અને વૈશ્વિક આર્થિક વિકાસ પર નિર્ભર રહેશે.

તેમણે કહ્યુ કે શોર્ટ ટર્મ માટે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને અમેરિકામાં વ્યાજદરોમાં થયેલા વધારાને કારણે FPI સાવચેતીનું વલણ અપનાવશે. જો કે, ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ શેર અને બોન્ડમાં વિદેશી રોકાણકારો માટે આકર્ષણ જાળવી રાખશે.

ડિપોઝીટરીના આંકડા મુજબ, આ મહિનાના 27 ઓકટોબર સુધીમાં FPIએ 20,356 કરોડના શેરો ફુંકી માર્યા છે. હજુ ઓકટોબર મહિના બે ટ્રેડીંગ સેશન બાકી છે.

આ પહેલાં પણ સપ્ટેમ્બર મહિનામાં પણ FPIs નેટ સેલર રહ્યું હતું. તેમણે રૂ. 14,767 કરોડના શેર વેચ્યા હતા. FPIs માર્ચથી ઓગસ્ટ સુધીના છેલ્લા છ મહિનામાં સતત ખરીદદાર રહ્યા હતું. આ સમયગાળા દરમિયાન તેમણે શેરબજારમાં 1.74 લાખ કરોડ રૂપિયા બજારમાં નાંખ્યા હતા.

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડિરેકટર હિમાશું શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમેરિકામાં બોલ્ડ યીલ્ડમાં ભારે વધારો આ સપ્તાહમાં FPIના વેચાણનું મુખ્ય કારણ હતું. તેમણે કહ્યુ કે, સોમવારે 16 વર્ષમાં પહેલીવાર 10 વર્ષના બોલ્ડ યીલ્ડ 5 ટકાના મનોવૈજ્ઞાનિક સ્તર પાર કરી ગઇ છે. શ્રીવાસ્તવે કહ્યું કે, આ કારણે FPI ભારત જેવા ઉભરી રહેલા શેરબજારોમાંથી પોતાનું ધ્યાન હટાવીને સુરક્ષિત વિકલ્પ તરીકે અમેરિકન સિક્યોરીટીઝમાં રોકાણ કરી રહ્યા છે.

જિયોજીત ફાયનાન્શીઅલ સર્વિસિઝના વી કે વિજય કુમારે કહ્યું કે, ઇઝરાયલ- હમાસ સંઘર્ષને કારણે પણ બજારમાં નકારાત્મક ધારણા બનેલી છે.

આ સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં શેર્સમાં FPIનું કુલ રોકાણ રૂ. 1 લાખ કરોડ રહ્યું છે. બોન્ડ માર્કેટમાં તેમનું રોકાણ રૂ. 35,200 કરોડને વટાવી ગયું છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે FPI મુખ્યત્વે ફાયનાન્સઅને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં વેચવાલ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp