આ કંપનીનો શેર રોકેટ બન્યો, આમીર અને રણબીરના પૈસા ત્રણ ગણા થયા

PC: businesstoday.in

ફક્ત 15 દિવસમાં જ પૈસા ત્રણ ગણા થયા. આ નાની કંપનીએ જોરદાર રિટર્ન આપ્યું છે. આ કંપની પર દાવ લગાવનારા ચહેરા પણ મોટા છે. બોલીવુડ સ્ટાર્સથી લઇને શેર બજારના દિગ્ગજ રોકાણકારો ચર્ચિત કંપની ડ્રોનઆચાર્ય એરિયલના રોકાણકાર છે. આ કંપનીનો IPO વર્ષ 2022ના છેલ્લા મહિના એટલે કે, ડિસેમ્બર 2022માં ઓપન થયો હતો.

ડ્રોનઆચાર્ય એરિયલમાં ભારતના દિગ્ગજ રોકાણકાર શંકર શર્માનું પણ મોટું રોકાણ છે. તે સિવાય બોલીવુડ સ્ટાર આમિર ખાન અને રણબીર કપૂરે લાખો રૂપિયા આ કંપનીમાં IPO આવવા પહેલા લગાવ્યા હતા. સૌથી મોટી ખાસિયત એ છે કે, જ્યારથી આ કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થયું છે, તેમાં રોજ જ અપર સર્કિટ લાગી રહી છે.

ડ્રોનઆચાર્ય એરિયલ કંપનીનો IPO રોકાણ માટે 13થી 15મી ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. 23મી ડિસેમ્બરના રોજ તેનું લિસ્ટિંગ થયું હતું, લિસ્ટિંગના એક દિવસમાં જ રોકાણકારોના પૈસા ડબલ થઇ ગયા હતા. ત્યાર બાદ દરરોજ તેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી રહી છે. ડ્રોનઆચાર્ય એરિયલનો IPO 88 ટકા પ્રીમિયમ પર 102 રૂપિયા પર BSE SME પર લિસ્ટ થયો હતો.

આ કંપનીના IPOનું પ્રાઇસ બેન્ડ 52થી 54 રૂપિયા પ્રતિ શેર હતું અને BSE પર તેનું લિસ્ટિંગ 102 રૂપિય પર થયું હતું. પણ હવે આ શેર 158 રૂપિયા પર પહોંચી ગયો છે. 4થી જાન્યુઆરીના રોજ પણ શેરમાં 5 ટકાની તેજી નોંધવામાં આવી છે. લગભગ 15 દિવસમાં આ શેર 54 રૂપિયાથી 158 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ કંપની ફક્ત BSE પર લિસ્ટ થઇ છે. રિપોર્ટ્સ અનુસાર, લિસ્ટિંગ પહેલા આ કંપનીમાં બોલીવુડ અભિનેતા આમિર ખાને 25 લાખ રૂપિયામાં 46600 શેર ખરીદ્યા હતા. જ્યારે, રણબીર કપૂરે 20 લાખ રૂપિયામાં 37200 શેર ખરીદ્યા હતા. લિસ્ટિંગ પહેલા દરેક રોકાણકારોને 53.59 રૂપિયા પ્રતિ શેરના ભાવથી આ કંપનીના શેર મળ્યા હતા. એટલે કે, અભિનેતાઓના રોકાણની રકમ ત્રણ ગણી થઇ ચૂકી છે.

ડ્રોન બનાવનારી આ કંપનીના IPOને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. તેના ઇશ્યુને 262 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. રિટેલ રોકાણકારો માટે રિઝર્વ હિસ્સો લગભગ 330 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. જ્યારે, નોન ઇન્સ્ટીટ્યુશનલ રોકાણકારો માટે રિઝર્વ હિસ્સાને 287 ગણો અને ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સના હિસ્સાને 46 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.

ડ્રોનઆચાર્ય એરિયલ ઇનોવેશને માર્ચ 2022તી લઇને અત્યાર સુધી 180થી વધારે ડ્રોન પાયલટ્સને ટ્રેનિંગ આપી છે. આ દેશની પહેલી પ્રાઇવેટ કંપનીઓમાં શામેલ છે, જેને DGCAના રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું લાયસન્સ મળ્યું છે. કંપનીના પ્રદર્શનની વાત કરીએ તો, નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં કંપનીએ 3.09 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. કંપનીને 72.06 લાખ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો. કંપની હવે સ્વદેશી ડ્રોન બનાવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp