11 વર્ષે સંભાળ્યો પિતાનો ધંધો, પોતાની મહેનતથી મહિનાનું ટર્નઓવર છે 6 લાખ

PC: bhaskar.com

મહારાષ્ટ્રના અહમદનગરથી 60 કિમી દૂર એક ગામ છે નિઘોજ. આ ગામની 21 વર્ષની શ્રદ્ધા ધવન છેલ્લા 10 વર્ષથી ડેરી ફાર્મ ચલાવે છે. તે જાતે દરેક ગાય અને ભેંસનું દૂધ કાઢે છે અને જાતે જ બાઈક પર સવાર થઈને સૌને દૂધ પહોંચાડે છે. એટલે સુધી કે પોતાની ભેંસનો ચારો કાપવાનું અને તેમની દેખરેખનું કામ પણ ઘણું સારી રીતે સંભાળી રહી છે. માત્ર 4-5 ભેંસથી શરૂ કરેલો તેમનો ધંધો હવે એટલો આગળ વધી ગયો છે કે આજે તેમની પાસે 80 કરતા વધુ ભેંસો છે અને દર મહિને 6 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

શ્રદ્ધા એક સામાન્ય પરિવારની છોકરી છે. તેના પિતા પહેલા ભેંસ ખરીદવા અને વેંચવાનું કામ કરતા હતા. પછીથી તેમની તબિયત બગડવા લાગી. તેની અસર તેમના ધંધા પર જોવા મળી હતી. ધીમે ધીમે ભેંસોની સંખ્યા ઘટવા લાગી. એક સમય એવો પણ આવ્યો કે તેમની પાસે માત્ર એક ભેંસ બચી હતી. જેમ તેમ કરીને તેના પિતા પરિવારની જવાબદારી સંભાળી રહ્યા હતા. શ્રદ્ધા કહે છે કે જ્યારે તે 11-12 વર્ષની હતી તો મને લાગ્યું કે મારા પિતાની મદદ કરવી જોઈએ. હું પપ્પા સાથે રહીને કામ શીખવા લાગી. તેમની સાથે મેળામાં પણ જવા લાગી, જ્યાંથી તેઓ ભેંસો ખરીદતા હતા. ધીમે ધીમે મને આ વસ્તુઓ સમજમાં આવવા લાગી. હું ભેંસોની જાતને ઓળખવા લાગી. તેના પછી મેં દૂધ કાઝવાનું પણ શીખી લીધું.

શ્રદ્ધા આગળ કહે છે કે એક છોકરી થઈને આ બધુ કામ કરવું સૌને થોડું અજીબ લાગતું હતું. મારી સાથેની છોકરીઓ કોમેન્ટ પણ કરતી હતી. પરંતુ મને મારા પરિવારની ચિંતા હતી. પિતા સમર્થ નહીં હતા અને ભાઈ ઘણો નાનો હતો. આથી મેં નક્કી કર્યું કે પપ્પાના કામને હું આગળ વધારીશ. વર્ષ 2012-13માં શ્રદ્ધાને પિતાએ જવાબદારી સૌંપી દીધી. તેના પછી શ્રદ્ધાએ પિતાના ધંધાથી હટીને 4-5 ભેંસો સાથે ડેરીનું કામ શરૂ કર્યું. તે રોજ સવારે વહેંલી ઉઠીને ભેંસોને ચારો નાખતી હતી, પછી તેમનું દૂધ કાઢતી હતી. તેના પછી કન્ટેઈનરમાં દૂધ ભરીને લોકોના ઘરે વહેંચવા માટે નીકળતી હતી. તેના પછી તે સ્કૂલે જતી હતી. પછી સાંજે આવ્યા પછી આ જ કામ કરતી હતી.

શ્રદ્ધા કહે છે 2013 સુધી અમારી પાસે આશરે ડઝન જેટલી ભેંસો થઈ ગઈ હતી. અમારા ગ્રાહકો પણ વધ્યા હતા અને દૂધનું પ્રોડક્શન પણ વધારે થવા લાગ્યું હતું. આથી હવે મને ડિલીવરી માટે એક બાઈકની જરૂર હતી. પછી મેં બાઈક ખરીદી, તેને ચલાવતા શીખી. તેના પછી ઘરે ઘરે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કામ કરવાની સાથે ભણવાનું ઘણું અઘરું પડતું હતું પરંતુ મેં ટાઈમ મેનેજ કરતા શીખી લીધું. તેણે 2015માં 10મું પાસ કર્યું હતું. હવે તે ફિઝીક્સમાં માસ્ટર્સ કરી રહી છે. જ્યારે તેનો નાનો ભાઈ ડેરીનો કોર્સ કરી રહ્યો છે.

ધીમે ધીમે ભેંસોની સંખ્યા વધવાની સાથે તેમનો ધંધો પણ વધ્યો હતો. 2016માં અમારી પાસે 46 ભેંસો થઈ ગઈ હતી અને દર મહિને અઢી થી ત્રણ લાખની કમાણી થવા લાગી હતી. તેની સાથે વિવિધ ડેરી સાથે ટાયઅપ કરવાથી વધારે નફો મળવા લાગ્યો હતો. હાલમાં અમારી પાસે 80થી પણ વધુ ભેંસો છે. જ્યાં દરરોજ 450 લિટર દૂધનું પ્રોડક્શન થાય છે. તેણે 3-4 લોકોને કામ પર રાખ્યા છે. હજુ પણ 20 ભેંસોનું દૂધ તે જાતે જ કાઢે છે. ધીમે ધીમે ભેંસો વધવાની સાથે તેમનો ચારો પણ વધતા તેણે પોતાના ખેતરમાં જ તેને ઉગાડવાનું શરૂ કરી દીધું હતું. હવે તે બાયોફર્ટિલાઈઝર તૈયાર કરવાનું કામ કરી રહી છે. આ માટે તેણે એક્સપર્ટ પાસેથી ટ્રેનિંગ પણ લીધી છે. તેની સાથે તે ઘણા ખેડૂતો અને મહિલાઓને પણ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. ગામના દરેક લોકો શ્રદ્ધાના વખાણ કરે છે.         

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp