આ બાળકોની જીભના ટેરવે છે સંખ્યાબંધ પક્ષીઓના અંગ્રેજી-ગુજરાતી નામ

PC: khabarchhe.com

સરકારે એક પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, વડોદરા અને ગુજરાત માટે હિતાર્થ પંડ્યાનું નામ અજાણ્યું નથી. એ ખૂબ કસાયેલા અને વ્યાપક અનુભવથી ઘડાયેલા પત્રકારિતાના નીવડેલા અધ્યાપક છે.એમની પત્રકારિતા એક ધ્યેય આધારિત હતી અને આજે એમનું જીવન પત્રકારિતાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના પ્રયોગો અને શિક્ષણને સમર્પિત છે. તેઓ કોરું,પુસ્તકિયું શિક્ષણ નથી આપતાં,જાતે પ્રયોગ કરે છે,સમજે છે,ઊંડાણમાં ઉતરે છે અને પછી ગુરૂપણાના ભાર વગર સિદ્ધાંતોને અનુભવ સાથે જોડીને શિક્ષણ આપે છે.

પર્યાવરણ પ્રત્યે એમનો લગાવ એટલો છે કે પત્રકારિતાનું શિક્ષણ એમનો ગૌણ વ્યવસાય, કંઇક અંશે રોજી રોટીની સુનિશ્ચિતતા માટેનું માધ્યમ બની ગયો છે.વૃક્ષ,વનરાજી અને પક્ષીઓ,જીવમાત્ર સાથે એમને એટલો લગાવ થઈ ગયો છે કે ઝાડના થડ પર ક્યાંક કુહાડી ઝીંકાય તો એમના હૃદયમાંથી વેદનાની રક્તધારા વહી નીકળે છે.

આવા આ પ્રકૃતિ ચાહક પંડ્યાએ ભાયલી ગામને પર્યાવરણ સંરક્ષણની પ્રયોગભૂમિ બનાવ્યું છે.ત્યાંના વણકરવાસના બહુધા સાધન સુવિધા વગરના પરિવારોના બાળકોને તેમણે પર્યાવરણના ચાહક સૈનિકો તરીકે ઘડ્યા છે. તેમણે આ બાળકોની શક્તિઓનો વિનિયોગ કરીને એક મરવા પડેલા,ગામના કચરાનું ગોદામ બની ગયેલા તળાવને નવેસરથી સજીવ કર્યું છે અને આ બાળ દોસ્તોમાં આ તળાવના કાંઠે પક્ષી નિરીક્ષણની ટેવ પાડી છે.

આજે એ બાળકો પૈકીના 10 જેટલાં બાળકો તો પક્ષીઓને પરખનારા વન્ડર કિડ્સ - અદભૂત બાળ પક્ષીવિદો બની ગયા છે પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ આ લોકોને માત્ર માટે કંઠસ્થ નથી થઈ ગયા,તેઓ એક મિત્રને ઓળખે એટલી સાહજિકતાથી આ પક્ષીઓને ઓળખે છે. આ પૈકીની માન્યા કક્કાની જેમ કે આંકના ઘડિયાની જેમ કડકડાટ 50થી વધુ પક્ષીઓના અંગ્રેજી અને ગુજરાતી નામ બોલી શકે છે.તમે અંગ્રેજીમાં પક્ષીનું નામ બોલો એટલે આ ચબરાક દીકરી ઘડીભરમાં એનું ગુજરાતી નામ જણાવી દે છે. આ બાળકો પાસે પક્ષી નિરીક્ષણ માટે દૂરબીન નથી કે નથી સારા લેન્સવાળા કેમેરા. તેઓ પાસે ગુજરાતના જાણીતા પક્ષીતીર્થો સુધી પહોંચીને પક્ષીઓનું નિરીક્ષણ કરવાના નાણાં પણ નથી.છતાં તેઓ જાણીતા વેટ લેન્ડસ (કળન ભૂમિ) અને પ્રદેશ પ્રદેશના પક્ષીઓ, યાયાવરોની જાણકારી ધરાવે છે. તાજેતરમાં આ બાળકોને પંડ્યાજીએ એક પક્ષી ગણતરીમાં પણ જોડ્યા હતા.

તેમના જીવનસાથી કૃતિ પંડ્યા અને તેમના સંતાનો પ્રકૃતિના જતન અને શિક્ષણના તેમના આ અભિયાનમાં સહયોગી સૈનિક બની રહ્યાં છે. આ લોકોએ સાથે મળીને ઘરની આસપાસ એવું તો જંગલ ઉછેર્યું છે કે ગૂગલ મેપમાં એમનું ઘર હરિયાળા ટપકાં જેવું દેખાય છે. તેમની પર્યાવરણ દૂરંદેશીનો લાભ નવરચના યુનિવર્સિટીના પરિસરના પર્યાવરણની જાળવણીમાં પણ મળી રહ્યો છે. તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં એક સાથીની મદદથી નાનકડું ખેતર બનાવીને બાળકોને ફૂલ છોડ,શાકભાજી અને ખાદ્યાન્ન આપતી વનસ્પતિઓને ઓળખતા કરવાનો અદભૂત બલ્કે હટકે પ્રયોગ પણ કર્યો છે અને નિષ્ણાત ફોટોગ્રાફરોને બોલાવી સેવા વસ્તીના બાળકોને બર્ડ ફોટોગ્રાફી કરતા પણ શીખવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp