દુનિયાના 28 દેશો ઈઝરાયલના અસ્તિત્વને નથી માનતા, પાકિસ્તાનીઓએ તો જવાનું જ નહીં

PC: brilliantmaps.com

આ દિવસોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ અઢી હજાર લોકો માર્યા ગયા છે. ઈઝરાયલનો ઉલ્લેખ થતાં જ વિશ્વના તમામ મુસ્લિમ દેશો આક્રમક બની જાય છે અને તેનું કારણ પેલેસ્ટાઈન છે. મુસ્લિમ દેશો માને છે કે પેલેસ્ટાઈનની જમીન ઈઝરાયલના ગેરકાયદે કબજા હેઠળ છે અને તેને આઝાદ કર્યા વિના શાંતિ થઈ શકે નહીં. આ જ કારણ છે કે, પાકિસ્તાન, સીરિયા, ઇજિપ્ત અને લેબનોન જેવા ઘણા દેશોએ પણ હમાસના બર્બર હુમલાઓને સમર્થન આપ્યું છે. ઇસ્લામિક દેશો અને ઈઝરાયલ વચ્ચે કેટલી ઊંડી દુશ્મનાવટ છે, તે એ હકીકત પરથી સમજી શકાય છે કે, 28 દેશો એવા છે કે, તેમણે તેને એક દેશ તરીકે માન્યતા જ નથી આપી.

ઈઝરાયલની સ્થાપના 14 મે, 1948ના રોજ થઈ હતી અને બીજા જ વર્ષે એટલે કે 1949માં તે સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું હતું. તેમ છતાં, વિશ્વના 193 માંથી 28 દેશો એવા છે, જે તેને એક દેશ તરીકે માન્યતા આપતા જ નથી. આ દેશોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ભારતના પડોશી દેશો પણ સામેલ છે. તેમાંથી 15 દેશો આરબ ક્ષેત્રમાં છે, જેમાં અલ્જીરિયા, કોમોરોસ, જિબુતી, ઇરાક, કુવૈત, લેબનોન, લિબિયા, મોરિટૈનિયા, ઓમાન, કતર, સાઉદી અરેબિયા, સોમાલિયા, સીરિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.

હવે જો આપણે નોન-અરબ દેશોની વાત કરીએ તો તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, માલદીવ, માલી, નાઈજર અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જેઓ ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપતા જ નથી. એટલું જ નહીં ઈઝરાયલને નકારનારા દેશોમાં ક્યુબા, ઉત્તર કોરિયા અને વેનેઝુએલા પણ સામેલ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, બ્રુનેઈ, ઈરાન અને ઈરાકના લોકો માટે ઈઝરાયલ જવાની જ મનાઈ છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર જ લખેલું છે કે, તે ઈઝરાયલ સિવાય દુનિયાના કોઈપણ દેશમાં જવાની પરવાનગી આપે છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સહિત 13 દેશો એવા છે, જ્યાં ઈઝરાયલના નાગરિકોને પ્રવેશ જ નથી મળતો.

જો કે, બહેરીન અને UAE એવા મુસ્લિમ દેશો છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયલની નજીક આવ્યા છે. આ દેશોએ ઈઝરાયલ સાથે અબ્રાહમ એકોર્ડ પર પણ હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે મુસ્લિમ દેશોમાં બેચેની જોવા મળી રહી છે. ઈઝરાયલ અને UAE તો I2U2 સંસ્થાનો ભાગ પણ છે, જેમાં અમેરિકા અને ભારત પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp