CAA સ્પષ્ટપણે મુસ્લિમોને બાકાત રાખે છે... US કમિશને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

PC: newsbytesapp.com

ભારતમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ એટલે કે CAA લાગુ થયા બાદથી અમેરિકા નારાજ છે. US સરકાર પછી હવે US કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ ભારત સરકાર દ્વારા નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) લાગુ કરવા માટે બહાર પડાયેલા નોટિફિકેશન પર ચિંતા વ્યક્ત કરી છે. US કમિશને કહ્યું છે કે, ધર્મ કે આસ્થાના આધારે કોઈને પણ નાગરિકતા આપવાથી નકારી ન શકાય. વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 (CAA)ના અમલીકરણ માટેના નિયમો આ મહિનાની શરૂઆતમાં સૂચિત કરવામાં આવ્યા હતા, જેણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી દસ્તાવેજો વિના ભારતમાં આવેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો કર્યો હતો.

USCIRF કમિશનર સ્ટીફન સ્નેકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સમસ્યાજનક CAA એવા લોકો માટે ધાર્મિક ફરજની જોગવાઈ સ્થાપિત કરે છે, જેઓ પડોશી દેશોમાંથી ભાગીને ભારતમાં આશરો લે છે.' સ્નેકે કહ્યું કે CAA હિન્દુઓ, પારસીઓ, શીખો, બૌદ્ધો, જૈનો અને ખ્રિસ્તીઓ માટે ઝડપી નાગરિકત્વનો માર્ગ પૂરો પાડે છે, પરંતુ મુસ્લિમોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે. ટીકાકારોએ આ કાયદામાંથી મુસ્લિમોને બાકાત રાખવા માટે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ ભારતે તેના પગલાનો મજબૂત બચાવ કર્યો છે.

સ્નેકે તેમના નિવેદનમાં કહ્યું, 'જો આ કાયદો ખરેખર અત્યાચારનો સામનો કરી રહેલા ધાર્મિક લઘુમતીઓને રક્ષણ આપવાનો હતો, તો તેમાં બર્મા (મ્યાનમાર)ના રોહિંગ્યા મુસ્લિમો, પાકિસ્તાનના અહમદિયા મુસ્લિમો અથવા અફઘાનિસ્તાનના હજારા શિયાઓ સહિત અન્ય સમુદાયોને પણ સામેલ કરવામાં આવતે. ધર્મ કે આસ્થાના આધારે કોઈને પણ નાગરિકતા આપવાનું નકારી ન શકાય. ભારતના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, હાલના કાયદા હેઠળ આ દેશોના મુસ્લિમો પણ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે.

આ દરમિયાન, ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS), જે જાગરૂકતા ફેલાવવા માટે ભારત અને ભારતીય સમુદાયને લગતી નીતિઓનો અભ્યાસ કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે, તેણે કહ્યું કે, CAAના તેના 'તથ્યલક્ષી વિશ્લેષણ' અનુસાર, આ જોગવાઈનો ઉદ્દેશ્ય ભારતના ત્રણ પડોશી ઇસ્લામિક દેશોમાંથી અત્યાચાર સહન કરતા ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ખોટી માન્યતાઓથી વિપરિત, તેમાં ભારતમાં મુસ્લિમોની નાગરિકતા વંચિત અથવા રદ કરવાની અથવા તેમને દેશનિકાલ કરવાની જોગવાઈ નથી, તેથી, તેને 'સતાવાયેલા ધાર્મિક લઘુમતી માટે ઝડપી નાગરિકતા અધિનિયમ' કહેવાનું યોગ્ય રહેશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને વિશ્વાસ છે કે USCIRF, અન્ય એજન્સીઓ અને અન્ય સંસ્થાઓ CAA પરની આ બ્રીફિંગને યોગ્ય માનશે અને સમજશે કે CAA અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ અંગે USCIRF દ્વારા ઉઠાવવામાં આવેલી કેટલીક ચિંતાઓને સીધી રીતે દૂર કરે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp