જાણો કેવી છે એલોન મસ્કની સિક્યોરિટી, આટલા કરોડ રૂપિયા કરે છે ખર્ચ
એક રીપોર્ટમાં ખુલાસો થયો છે કે એલોન મસ્ક તેમની, તેના ઘર અને ઓફિસની સુરક્ષા માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. તો ચાલો જાણીએ કે મુકેશ અંબાણી અને તેમની સુરક્ષામાં કેટલું અંતર છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક તેમની સિક્યોરિટીને લઈને ચર્ચામાં છે. એક રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે એલોન મસ્ક પોતાની અને ઘર, ઓફિસ, કર્મચારીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. આ સાંભળી લોકો તેમની સિક્યોરિટીની તુલના ભારતના વીઆઇપી કલ્ચર સાથે કરી રહ્યા છે. એવામાં આપણે જાણીશું કે એલોન મસ્કની સિક્યોરિટી કેવી છે અને તેમની સાથે કેટલા સિક્યોરિટી ગાર્ડ્સ ચાલે છે. સાથે-સાથે તમને જણાવીશું કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સુરક્ષાથી એલોન મસ્કની સુરક્ષા કેટલી અલગ છે.
કેવી છે એલોન મસ્કની સુરક્ષા?
સ્પેસએક્સ, ટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્કને ઘણીવાર ધમકીઓ મળી ચુકી છે. એક રીપોર્ટ મુજબ ગયા વર્ષે તેને 5 વખત આંતકી હુમલાની ધમકી મળી હતી. ત્યારપછી એલોન મસ્કે તેની અને ઓફિસની સુરક્ષામાં ભારે વધારો કરી દીધો છે. જો તેમની પર્સનલ સિક્યોરિટીની વાત કરીએ તો મસ્કની સાથે હંમેશા 20 બોડીગાર્ડ્સ રહે છે અને તે તેને કવર આપે છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્કની સિક્યોરિટી પ્રોટોકોલમાં તેમનું નામ વોયેજર આપવામાં આવ્યું છે.
એલોન મસ્કની સુરક્ષામાં રહેલા અમુક સિક્યોરિટી ગાર્ડ્સ પાસે હથિયાર પણ હોય છે જ્યારે અમુક નોર્મલ કવર આપે છે. આ ઉપરાંત તેઓ જ્યારે બહાર જાય છે ત્યારે મેડિકલ એક્સપર્ટ પણ તેમની સાથે રહે છે. એલોન મસ્ક જ્યારે બહાર જાય છે તો તેની પહેલા સિક્યોરિટી દ્વારા સંપૂર્ણ પ્લાનિંગ થાય છે. આવી રીતે તેનું કામ અમેરિકાથી લઈ વિદેશ સુધી મસ્કને સિક્યોર કરવાનું છે.
એલોન મસ્કની સિક્યોરિટી સર્વિસ એક પ્રકારની મિની સીક્રેટ સર્વિસની જેમ કામ કરે છે. તેમની સિક્યોરિટી એટલી કડક હોય છે કે તેઓ જ્યારે બાથરૂમ જાય છે ત્યાં પણ અમુક ગાર્ડ્સ તેમની સાથે હોય છે. કહેવાય છે કે તેમને મળેલી ધમકીઓ પછી સિક્યોરિટીમાં વધારો કરવામાં આવ્યો છે.
સિક્યોરિટી પાછળ કેટલો ખર્ચ થાય છે?
એક રીપોર્ટ મુજબ તેઓ સિક્યોરિટી પાછળ ખૂબ પૈસા ખર્ચ કરે છે. તેમણે વર્ષ 2016માં એક જ મહિનામાં તેની સુરક્ષા પાછળ 1,63,000 ડોલર (લગભગ 1.36 કરોડ રૂપિયા) નો ખર્ચ કર્યો હતો. ત્યારપછી વર્ષ 2023માં તેમની સિક્યોરિટી કંપનીએ 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)નું સુરક્ષાનું બિલ મોકલ્યું હતું. જોકે ફેબ્રુઆરી 2024માં તેમાં 5 લાખ ડોલરનો વધારો થયો છે.
કેવી છે મુકેશ અંબાણીની સુરક્ષા?
હવે સવાલ થાય કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પરિવારની સિક્યોરિટી કેવી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના પરિવારને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા Z+ સિક્યોરિટીનું કવર મળેલું છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેમને Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તેની પહેલા અંબાણી પરિવારને Z કેટગરીની સુરક્ષા મળી હતી. Z+ સિક્યોરિટી તેમને ભારત અને ભારત બહાર પણ કવર આપે છે. અંબાણી પરિવારનો કોઈ સદસ્ય વિદેશ જશે તો ત્યાં પણ ભારત સરકાર તેમને સુરક્ષા આપે છે.
ખાસવાત એ છે કે અંબાણી પરિવારને Z+ સિક્યોરિટીની સાથે NSG કવર પણ આપવામાં આવ્યું છે. આ સિક્યોરિટીમાં NSG કમાંડો પણ સાથે રહે છે. Z+ સિક્યોરિટી વિથ NSG કવરમાં 55 જવાન અને 10 NSG કમાંડો હોય છે. NSG કમાંડો ઘરની બહાર પ્રવાસ દરમિયાન કવર આપે છે, જ્યારે અન્ય જવાન દરેક સમયે તેની સાથે રહે છે.
વર્ષ 2013 થી 2023 સુધી અંબાણી પરિવારને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી, જેમાં CRPF ના જવાનો કવર આપતા હતા. વર્તમાનમાં અંબાણી પરિવારના સદસ્યો ભારતમાં હોય ત્યારે મહારાષ્ટ્ર સરકાર અને ગૃહ મંત્રાલય તેમની સુરક્ષાની વ્યવસ્થા કરે છે અને જ્યારે વિદેશમાં હોય ત્યારે ગૃહ મંત્રાલય સિક્યોરિટીની વ્યવસ્થા કરે છે.
શું સુરક્ષાનો ખર્ચ સરકાર આપે છે?
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા ભલે ભારત સરકાર તરફથી આપવામાં આવી હોય, પણ તેની સુરક્ષા પાછળ થતો સંપૂર્ણ ખર્ચ અંબાણી પરિવાર જ ઉપાડે છે. મતલબ સરકાર જે સુરક્ષા પ્રદાન કરે છે તેના બદલામાં અંબાણી પરિવાર સરકારને પૈસા આપે છે. જો કે, તેના પર કેટલો ખર્ચ થાય છે તેની કોઈ ઓફિશિયલ જાણકારી નથી. પણ કહેવાય છે કે અંબાણી પરિવારને મહિનામાં લગભગ 15 લાખ રૂપિયા સુરક્ષા માટે ખર્ચ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp