મેપની ભૂલને કારણે રેસ્ટોરાંને કેવી રીતે લાખોનું નુકસાન થયું?

PC: twitter.com

ખોટા નકશાને કારણે શું થઈ શકે? તમે ખોટા સ્થાન પર જઈ શકો છો. નદીઓ અને નાળાઓમાં પડી શકે છે. સમોસાની શોધમાં તમે આઈસ્ક્રીમની દુકાને પહોંચી શકો છો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિસ પ્યાટને નકશાની ભૂલને કારણે કથિત રીતે લગભગ 12,000 ડૉલર (લગભગ રૂ. 9,97,458)નું નુકસાન થયું હતું. ચાલો તમને જણાવીએ કે, મેપે કઈ ભૂલ કરી અને કેવી રીતે ક્રિસને ફટકો પડ્યો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ક્રિસ પ્યાટ તેની પત્ની સાથે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ શહેરમાં સમુદ્ર કિનારે 'પમ્સ કિચન' નામની થાઈ રેસ્ટોરાં ચલાવે છે. આ રેસ્ટોરાં 10 વર્ષથી અહીં છે. નવેમ્બર 2023થી, તેની રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકોની સંખ્યામાં અચાનક ઘટાડો થવા લાગ્યો. ક્રિસને શંકા હતી કે Apple Mapsમાં થયેલી ભૂલને કારણે આવું થયું છે. આ દરમિયાન એક વ્યક્તિએ ફોન કરીને તેને પૂછ્યું કે, તેની રેસ્ટોરાં આટલા દિવસોથી કેમ બંધ છે? ક્રિસે કહ્યું કે રેસ્ટોરાં ખુલ્લી છે, પણ તમે આ સવાલ કેમ પૂછ્યો? પછી વ્યક્તિએ કહ્યું કે Apple Maps પર તે બતાવે છે કે તમારી રેસ્ટોરાં બંધ છે. કાયમી બંધ. ત્યારે જ ક્રિસ સમજી શક્યો કે, તેની રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકો અચાનક કેમ ઘટી ગયા. કારણ કે જ્યારે કોઈ એપલ મેપ પર તેની રેસ્ટોરાં સર્ચ કરશે, તો તે બતાવશે કે આ રેસ્ટોરાં બંધ છે.

સૌથી પહેલા ક્રિસ એપલ મેપ્સની યાદી બદલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે આ કરી શક્યો નહીં કારણ કે તેની કે તેની પત્ની પાસે એપલ ડિવાઇસ નહોતું. આ પછી તેણે ફરિયાદ લઈને કંપનીનો સંપર્ક કર્યો. કંપનીએ શરૂઆતમાં નકશામાં લિસ્ટિંગ બદલવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી જ્યારે ક્રિસે તેની સમગ્ર સમસ્યા જણાવી ત્યારે રેસ્ટોરાંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

આ સમગ્ર મામલા પર ક્રિસે કહ્યું, 'અમને ખબર ન હતી કે નકશામાં આ ફેરફારો ક્યારે આવ્યા, પરંતુ નવેમ્બર 2023ના અંતમાં અને સમગ્ર ડિસેમ્બર દરમિયાન રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકોની સંખ્યામાં ફેરફાર જોવા મળ્યો. આ પછી અમે તેમાં સુધારો કર્યો.'

ક્રિસ પાછળથી સમજાવે છે કે, ખોટા નકશાને કારણે, તેના વ્યવસાયને આશરે 12,000 ડૉલરનું નુકસાન થયું છે. જો કે સારી વાત એ છે કે હવે રેસ્ટોરાં ખોલવાનો સમય બદલવામાં આવ્યો છે, પરંતુ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ નથી. અત્યારે પણ નકશામાં આ રેસ્ટોરાંનો રસ્તો યોગ્ય રીતે બતાવવામાં આવતો નથી. આનો અર્થ એ છે કે, ગ્રાહકો હજી પણ તેમની રેસ્ટોરાં સુધી સરળતાથી પહોંચી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp