પુતિનની ચેતવણી, જો અમેરિકાએ સીરિયા પર હુમલો કર્યો તો થશે...

PC: rackcdn.com

સીરિયાના મામલે અમેરિકા અને રશિયા વચ્ચે તુતુ-મેંમેં નો ખેલ અટકતો જોવા મળી રહ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને રવિવારે અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે ફરીથી સીરિયા પર હુમલો કરશે તો ચોક્કસ દુનિયામાં અફરાતફરી મચી જશે.

ડૂમામાં થયેલા કેમિકલ હુમલા બાદ શનિવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સાથે મળીને સીરિયામાં સરકારના હથિયારના ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા હતા. રશિયાએ આ અંગે પોતાના સ્ટેટમેન્ટમાં આ કાર્યવાહીની આલોચના કરી હતી પરંતુ પહેલી વખત પુતિને જાતે અમેરિકાને સીરિયા પર હુમલો કરવા પર ચેતવણી આપી છે.

રશિયાના રાષ્ટ્રપતિ ઓફિસમાંથી આપવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, વ્લાદિમીર પુતિને જોર આપીને કહ્યું છે કે જો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન કરી આ રીતની કાર્યવાહી થતી રહેશે તો ચોક્કસથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અરાજક્તાની સ્થિતિ ઉદ્દભવી શકે છે.

સ્ટેટમેન્ટ પ્રમાણે રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની વચ્ચે ફોન પર વાતચીત થઈ છે અને બંને નેતાઓનું માનવું છે કે શનિવારે સીરિયામાં થયેલા હુમલા પછી સીરિયાના સંઘર્ષના રાજનૈતિક ઉકેલને ઘણું નુકસાન પહોંચ્યું છે.

સીરિયાના દમાસ્કસ અને હોમ્સમાં સૈન્ય કાર્યવાહી પછી અમેરિકા હવે બીજા રસ્તાઓથી બશર અલ અસદ સરકાર પર દબાવ બનાવવાની કોશિશમાં છે. રવિવારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ કહ્યું હતું કે અમેરિકા તે રશિયાની કંપનીઓ વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી કરશે જે સીરિયાની સરકાર સાથે જોડાયેલી છે.

સીરિયામાં હુમલાને લઈને રશિયા સંયુક્ત રાષ્ટ્ર પાસેથી નિંદાનો પ્રસ્તાવ હાંસલ કરવામાં નાકામ રહેલું રશિયા અમેરિકાની આ નવી કાર્યવાહીને લઈને વિરોધ કરી રહ્યું છે. અમેરિકાના ટીવી ચેનલ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નિક્કી હેલીએ કહ્યું હતું કે અમેરિકા સોમવારે રશિયાની કંપનીઓ પર આર્થિક પ્રતિબંધ મૂકશે જેણે સીરિયા સરકારને રાસાયણિક હુમલામાં મદદ કરી હતી.

આ સ્ટેટમેન્ટના જવાબરૂપે રશિયા સસંદના રક્ષા સમિતિના ઉપ નિર્દેશક એવગેની સેરેબ્રેનિકોવે કહ્યું હતું કે રશિયા આ પ્રતિબંધ માટે તૈયાર છે. સરકારી ન્યૂઝ એજન્સી આરઆઈએના કહેવા પ્રમાણે તેમણે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે પ્રતિબંધ અમારા માટે મુશ્કેલી ઊભી કરશે પરંતુ અમારાથી વધારે તે અમેરિકા અને યુરોપમાં નુકસાન પહોંચાડશે.

7 એપ્રિલના રોજ ડૂમા શહેરમાં રાસાયણિક હુમલો કરવાના જવાબમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ભેગા કરીને સીરિયાના અમુક સ્થળોએ 105 મિસાઈલો નાખી હતી. અમેરિકાનું માનવું છે કે જે જગ્યાએ મિસાઈલ છોડવામાં આવી હતી તે જગ્યાએ સીરિયા સરકારના રાસાયણિક હથિયારો બનાવવાના સેન્ટર હતા.

ત્રણ દેશ અલ અસદ સરકારને રાસાયણિક હુમલા માટે જવાબદાર માને છે. ઘણા નજરે જોનાર અને માનવઅધિકાર સંસ્થાઓ પ્રમાણે આ હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. સીરિયા સરકાર અને તેના સહયોગી રશિયા અને ઈરાને આ આરોપોને પશ્ચિમી દેશોનું ષડયંત્ર કહીને ખોટા ઠેરવ્યા હતા. આ હુમલાથી પહેલા રશિયાએ ધમકી આપી હતી કે અમેરિકા સીરિયા પર હુમલો કરશે તો યુદ્ધ છેડાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વાસિલી નેબેન્જિયાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે જો અમેરિકા સીરિયા પર હુમલો કરશે તો રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તેવી આશંકાને નકારી શકાય તેમ નથી. આ અંગે અમેરિકાએ કહ્યું હતું કે સીરિયામાં જે જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા, તેનાથી રશિયા અને ઈરાનની સૈન્ય ટુકડીઓને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

આ હુમલાને લઈને બ્રિટને કહ્યું હતું કે રશિયાને આ બોમ્બારી પહેલા સાવધાન કરવામાં આવ્યું નહતું, પરંતુ ફ્રાન્સે પછીથી કહ્યું હતું કે રશિયાને આ અંગે પહેલેથી જાણ કરવામાં આવી હતી. સીરિયાના એ કેન્દ્રોને રશિયાની સૂચના પછી બોમ્બારીના ઘણા દિવસો પહેલા ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp