જો તમારે અહીં રહેવું હોય તો 24 કલાકમાં એક વાર હસવું જરૂરી, સરકારે કાયદો બનાવ્યો

PC: hindi.oneindia.com

જાપાનમાં દરેક નાગરિક માટે દિવસમાં એકવાર હસવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને આ માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ શહેરના લોકોને દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવું પડશે. મીડિયા ચેનલની એક વેબસાઈટ અનુસાર, જાપાન એવો દેશ છે કે, જેના એક શહેરમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો છે.

હવે તમે વિચારતા જ હશો કે જાપાન જેવા દેશમાં સરકાર વ્યક્તિના હસવા, રડવા કે તેના અંગત જીવન અંગે કેવી રીતે નિર્ણય લઈ શકે છે, તો મિત્રો, તેની પાછળનું કારણ એ છે કે, સરકારના આ કાયદાનો હેતુ સંરક્ષણનો છે. લોકોને ડિપ્રેશનથી બચાવવા માટે.

જાપાનના યામાગાતા શહેરમાં સ્થાનિક સરકારે હવે એક વટહુકમ પસાર કર્યો છે, જે તે શહેરના લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવાનો નિયમ બનાવે છે.

સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. તેને ટોરુ સેકી અને સટોરુ ઇશિગુરો જેવા રાજકારણીઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો છે, જેઓ દલીલ કરે છે કે તે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સેકીએ કહ્યું કે હસવું કે ન હસવું એ મૂળભૂત માનવ અધિકાર છે, જ્યારે ઇશિગુરોએ બીમારી જેવા કારણોસર હસવામાં અસમર્થ લોકોના અધિકારો પર ભાર મૂક્યો હતો.

વિવાદ હોવા છતાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કાઓરી ઇટોએ કાયદાનો બચાવ કરતા કહ્યું કે, તે વ્યક્તિના વ્યક્તિગત નિર્ણયના આદર પર ભાર મૂકે છે અને હસવા માટે દબાણ કરતું નથી. સ્થાનિક અધિકારીઓએ વધુમાં સ્પષ્ટતા કરી કે, નવા નિયમમાં દરરોજ હસવામાં અસમર્થ લોકો માટે કોઈ દંડની જોગવાઈ નથી. આ કાયદાનો પ્રાથમિક હેતુ ફરજિયાત હાસ્યને લાગુ કરવાને બદલે હાસ્યના સ્વાસ્થ્ય લાભોની સમજને પ્રોત્સાહન આપવાનો છે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)એ ગયા અઠવાડિયે એક કાયદો રજૂ કર્યો હતો અને પસાર કર્યો હતો જેમાં રહેવાસીઓને દરરોજ 'હસી મજાક કરવાની અને જોરદાર અટહાસ્ય કરવા' માટે આહ્વાન કર્યું હતું. આ સિવાય તમામ પ્રોફેશનલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, 'કાર્યસ્થળ પર એવું વાતાવરણ બનાવો જે હાસ્યથી ભરેલું હોય.'

જાપાનમાં આવો વિચિત્ર કાયદો કેમ બનાવવામાં આવ્યો? યામાગાતા યુનિવર્સિટીના મેડિકલ વિભાગે તાજેતરના એક સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. સંશોધન દર્શાવે છે કે, હાસ્ય સારા સ્વાસ્થ્ય અને લોકોના આયુષ્યમાં વધારો કરવામાં મદદરૂપ છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વર્ષ 2020માં લખેલા એક લેખમાં કહ્યું છે કે, જે લોકો વધુ હસતા નથી અથવા ઓછા હસવાની વૃત્તિ ધરાવતા હોય છે, તેમને હૃદય રોગ થવાની અને નાની ઉંમરમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, હસવાથી માત્ર લોકોનું મગજ જ સ્વસ્થ નથી રહેતું, પરંતુ તેમની જીવનશૈલી પણ ખુશ ખુશાલ રહેતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp