ટશન દેખાડનાર માલદીવ્સને ભારતીયોએ આપ્યો જવાબ, ટૂરિઝ્મ સેક્ટરમાં મોટો ઝાટકો

PC: ndtv.com

સુંદર સમુદ્રી કિનારો અને લક્ઝરી ટૂરિઝ્મ માટે પ્રસિદ્ધ માલદીવના પર્યટનને ભારત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. માલદીવ પર્યટન મંત્રાલયના આંકડાઓ મુજબ, માલદીવ જનારા ભારતીયોની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. 3 અઠવાડિયા અગાઉ જ્યાં ભારતીય માલદીવ જવામાં વિશ્વમાં ત્રીજા નંબર પર હતા, હવે પાંચમા નંબરે આવી ગયા છે. ભારતીય પર્યટક માલદીવ માટે ખૂબ જ જરૂરી છે કેમ કે ભારતથી મોટી સંખ્યામાં લોકો દર વર્ષે માલદીવ જાય છે. વર્ષ 2023માં માલદીવ ટૂરિઝ્મ માર્કેટમાં ભારતીયોનું યોગદાન 11 ટકા હતું, પરંતુ હાલના વિવાદ બાદ માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે.

માલદીવની ટૂરિઝ્મની વેબસાઇટ મુજબ વર્ષ 2024ની શરૂઆતમાં ભારતીય પર્યટક માલદીવ જનારાઓમાં ત્રીજા નંબરે હતા, જેમાં તેના માર્કેટ શેર 7.1 ટકા હતા. ચીન એ સમયે માલદીવ જનારા પર્યટકોની લિસ્ટમાં ટોપ 10 દેશોમાં પણ નહોતું. પરંતુ ભારત-માલદીવ વિવાદ બાદ માલદીવના પર્યટન ડેમોગ્રાફીમાં ખૂબ બદલાવ થયો છે. ચીન હવે ભારતની જગ્યા લઈ ચૂક્યું છે એટલે કે ચીની પર્યટક માલદીવ જનારા ત્રીજા સૌથી મોટા પર્યટક છે. ચીન બાદ ચોથા નંબરે બ્રિટન છે.

માલદીવ જનારા ભારતીય પર્યટકોમાં આ ઘટાડો માલદીવ સાથે ચાલી રહેલા ભારતના રાજનીતિક તણાવ વચ્ચે આવ્યો છે. જેમાં માલદીવના ઉપમંત્રીઓએ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો અને વીડિયો પર આપત્તિજનક કમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં વડાપ્રધાન લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાંના સુંદર સમુદ્રી કિનારાઓની તસવીરો શેર કરતા લોકોને લક્ષદ્વીપ જવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું કે લક્ષદ્વીપનો માલદીવ સાથે કોઈ મુકાબલો નથી. માલદીવના ઉપમંત્રીઓની ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો અને લોકો માલદીવનો બહિષ્કાર કરવા લાગ્યા.

લોકોએ કહેવાનું શરૂ કરી દીધું કે, તેઓ માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ જવાનું પસંદ કરશે. વિવાદ વધતો જોઈને માલદીવની સરકારે પોતાના ઉપમંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ મામલો થાળે ન પડ્યો અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખ્યું. વિવાદને જોતા ભારતની મોટી ટ્રાવેલ પોર્ટલ ઇઝી માય ટ્રીપે માલદીવ જનારી બધી ફ્લાઇટ્સની બુકિંગ કેન્સલ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp