ભારત સરકારનો આ એક નિર્ણય અને UAEમાં મોંઘવારી વધવા લાગી, જાણો આખો મામલો

PC: aajtak.in

ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પછી આરબ દેશ UAEમાં ડુંગળીના ભાવ આસમાને છે. UAEના રિટેલર્સના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી દેશમાં ડુંગળીના ભાવ છ ગણા વધી ગયા છે. ભારતના છૂટક બજારમાં ડુંગળી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા અને તેની ઉપલબ્ધતા વધારવા માટે, ભારતે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા 8 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ડુંગળીની નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ રહેશે. આ પહેલા ઓગસ્ટમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ભારતે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી હતી.

UAEના એક અખબારના અહેવાલ મુજબ, ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પછી દેશમાં ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. છૂટક ઉદ્યોગના વેપારીઓનું કહેવું છે કે, ડુંગળીના ભાવમાં છ ગણો વધારો થયો છે, તેથી તેઓ ડુંગળીની આયાત માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધી રહ્યા છે.

અલ સફિર ગ્રુપ FMCGના ડિરેક્ટર અશોક તુલસિયાની કહે છે કે, તુર્કી, ઈરાન અને ચીન વૈકલ્પિક સ્ત્રોત છે. પરંતુ ભારતીય ડુંગળીની જથ્થા, ગુણવત્તા અને કિંમતની દ્રષ્ટિએ સૌથી વધુ માંગ છે. અન્ય કોઈ દેશની ડુંગળી ભારતીય ડુંગળીની અછતને પૂરી કરી શકતી નથી.

હકીકતમાં, ભારત માત્ર UAE જ નહીં પરંતુ અન્ય ગલ્ફ દેશોમાં પણ ડુંગળીનો મુખ્ય નિકાસકાર છે. આ જ કારણ છે કે, ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ પછી અન્ય આરબ દેશોમાં પણ ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે.

અલ માયા ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર કમલ વાચાણીનું કહેવું છે કે, ભારત સરકારના આ નિર્ણય પછી UAE વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરી રહ્યું છે. ઇજિપ્તને UAE માર્કેટમાં ડુંગળી સપ્લાય કરવા માટે સંભવિત સપ્લાયર તરીકે ગણવામાં આવે છે. આ સિવાય તુર્કી પોતાને એક વિકલ્પ તરીકે રજૂ કરે છે.

ઓબ્ઝર્વેટરી ઓફ ઈકોનોમિક કોમ્પ્લેક્સિટી અનુસાર, UAEએ તાજેતરના વર્ષોમાં ભારતમાંથી ડુંગળીની આયાતમાં વધુ વધારો નોંધ્યો છે. વર્ષ 2019માં UAEએ ભારત પાસેથી 27.7 મિલિયન ડૉલરની ડુંગળી ખરીદી હતી. જ્યારે, 2020માં, UAEએ 34.8 મિલિયન ડૉલરની ડુંગળી ખરીદી હતી.

UAEએ 2021માં ભારતમાંથી 41.7 મિલિયન ડૉલરની ડુંગળીની આયાત કરી હતી. વર્ષ 2021માં UAE ભારતીય ડુંગળીનો ચોથો સૌથી મોટો આયાતકાર હતો.

હોર્ટિકલ્ચરલ પ્રોડક્ટ્સ એક્સપોર્ટર્સ એસોસિએશનના વડા અજીત શાહના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાંથી સૌથી વધુ ડુંગળીની આયાત કરી છે. જ્યારે, મલેશિયા અને UAE અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. ભારતમાંથી ડુંગળીની આયાત વધવાનું કારણ UAEમાં વધતી જતી વસ્તી અને અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ડુંગળીના નીચા ભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp