ઈઝરાયલ અત્યાર સુધી ગાઝામાં 6000 બોમ્બ ફેંકી ચૂક્યું છે, પરંતુ આ 3 બાબત ડરાવે છે

PC: hindi.news18.com

ઈઝરાયલ હવે ગાઝા પટ્ટીમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. પેલેસ્ટિનિયન નાગરિકોને 24 કલાકમાં ગાઝા છોડી દેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઇઝરાયલી સેનાનો એક જ ઉદ્દેશ્ય છે, ગાઝામાંથી હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના મેજર જનરલ એમોસ ગિલિયડે મીડિયા સૂત્રોને કહ્યું કે, આ વખતની કાર્યવાહી ઈઝરાયલની સેનાએ ગાઝામાં અત્યાર સુધી કરેલા તમામ ઓપરેશન કરતા અલગ છે. ઉદ્દેશ્ય માત્ર એક જ છે, હમાસને જડમૂળથી ઉખેડી નાખવો.

ઈઝરાયલે અગાઉ 2005, 2008 અને 2014માં ગાઝામાં ઓપરેશન હાથ ધર્યું હતું. પછી તે એક નાનકડા વિસ્તાર પૂરતું મર્યાદિત હતું.

ઈઝરાયલી સેનાએ 7 ઓક્ટોબરથી ગાઝા પટ્ટી પર 6000થી વધુ બોમ્બ ફેંક્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, વર્ષ 2011માં નાટો ગઠબંધન દળોએ મળીને લગભગ એટલા જ બોમ્બ (7700) લિબિયા પર ફેંક્યા હતા.

બોમ્બ ધડાકા સિવાય ઈઝરાયલે અત્યાર સુધીમાં 37,00,00 સૈનિકોને એકત્ર કર્યા છે. જે તેની કુલ વસ્તીના લગભગ ત્રણ ટકા છે. વિશ્વના ઘણા દેશોમાં સ્થાયી થયેલા ઇઝરાયલના નાગરિકો હમાસ સામે લડવા માટે તેમના દેશમાં પાછા ફરી રહ્યા છે. ઈઝરાયલની નૌકાદળે ગાઝા પટ્ટી પર સંપૂર્ણ રીતે નાકાબંધી કરી દીધી છે, જેથી શસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓ દરિયાઈ માર્ગે ત્યાં પહોંચી ન શકે. આ ઉપરાંત ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી અને ઈંધણનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

નિષ્ણાતો ત્રણ બાબતોને લઈને ચિંતિત છે. પહેલું- જો ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં ઘૂસશે તો ઈરાન અને હિઝબુલ્લા ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી શકે છે અને ઈઝરાયલને બે મોરચે લડવું પડી શકે છે. એવી આશંકા છે કે, અન્ય આરબ દેશો પણ આ લડાઈમાં જોડાઈ શકે છે. અગાઉ પણ આરબ દેશોના ગઠબંધન દ્વારા ઇઝરાયલ સામે યુદ્ધ છેડ્યું હતું, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

માત્ર 42 કિલોમીટર લાંબી ગાઝા પટ્ટીને 'નરક' પણ કહેવામાં આવે છે. વિશ્વની સૌથી ગીચ વસ્તી અહીં રહે છે. લગભગ 20 લાખ લોકો નાની જમીન પર રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આટલી મોટી ભીડમાં હમાસના ઠેકાણાઓ સુધી પહોંચવું 'લોઢાના ચણા ચાવવા જેવું' છે. હમાસ ભૂતકાળમાં પણ નિર્દોષ નાગરિકોનો 'માનવ ઢાલ' તરીકે ઉપયોગ કરતું રહ્યું છે અને આ વખતે પણ એવા જ અહેવાલો છે. બીજી તરફ સેંકડો ઈઝરાયલ નાગરીકોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના જીવ જવાની આશંકા છે.

નિષ્ણાતો કહે છે કે, ઇઝરાયલ ખાસ કરીને ઉત્તર ગાઝા પર નજર રાખી રહ્યું છે, જ્યાં લગભગ 1 મિલિયન લોકો રહે છે. ઈઝરાયલ આ વિસ્તારને હસ્તગત કર્યા પછી તે બફર ઝોન બની શકે છે. આવી સ્થિતિમાં અહીં રહેતા નાગરિકો ક્યાં જશે તે પ્રશ્ન છે. આ તે છે જ્યાં ત્રીજી ચિંતા ઊભી થાય છે. જો આટલી મોટી વસ્તીને બેઘર બનાવી દેવામાં આવે તો ઈઝરાયલ સામે ગુસ્સો સ્વાભાવિક છે. હમાસ જેવી બીજી કટ્ટરપંથી ચળવળ ઊભી થઈ શકે છે. શક્ય છે કે તે હમાસ કરતા પણ વધુ કટ્ટરવાદી હોય.

ઈઝરાયલની સેના માટે ગાઝામાં પ્રવેશવું એટલું સરળ નથી. પ્રથમ, ત્યાં ગીચ વસાહતો છે. બીજું, તાજેતરના વર્ષોમાં, હમાસે લગભગ સમગ્ર ગાઝા પટ્ટીમાં ભૂગર્ભ ટનલનું નેટવર્ક તૈયાર કર્યું છે અને તે અહીંથી કાર્ય કરે છે. વિવિધ સ્થળોએ 'બૂબી ટ્રેપ' લગાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, હમાસના વાસ્તવિક લક્ષ્યોને શોધી કાઢવું અને પછી તેને ખતમ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp