ભારતમાં Tik Tokની વાપસી પર ગ્રહણ, જાણો કેમ માઇક્રોસોફ્ટ પાછળ હટ્યું

PC: news18.com

ભારત અને ચીન વચ્ચે ગલવાન વેલીમાં થયેલા હિંસક ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ ભારતના લોકોમાં ચીન પ્રત્યે ગુસ્સો જોવા મળ્યો હતો. ભારત સરકારે તાત્કાલિક પ્રભાવથી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને TikTok સહિત 59 ચીની એપ બેન કરી દીધી હતી. ત્યારબાદ બાઈટડાન્સની TikTok એપને અમેરિકન માઈક્રોસોફ્ટ કંપની દ્વારા ખરીદવાની ડીલ થવાની હતી પરંતુ, અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના TikTokને બેન કરવાના નિવેદન બાદ આ ડીલ હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સોશિયલ નેટવર્કિંગ એપ TikTokને બેન કરવાની ચેતવણી બાદ ટેકનોલોજી ક્ષેત્રની કંપની માઈક્રોસોફ્ટે તેને (TikTokને) ખરીદવા માટે તેની નિર્માતા કંપની બાઈટડાન્સ સાથે ચાલી રહેલી વાતચીત પર હાલમાં રોક લગાવી દીધી છે. તેનાથી TikTokના ભારતમાં ફરીવાર પરત ફરવા પર ગ્રહણ લાગી ગયું છે. ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, TikTok બેન કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જે અમેરિકાથી સંચાલન કરનારી સોશિયલ નેટવર્કિંગ એપ Youtube અને Facebookની સંભવિત હરીફ છે. તેમણે આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, સરકાર TikTok બેન કરવા સિવાય અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલે આ મામલે જાણકાર સૂત્રોના હવાલાથી શનિવારે કહ્યું હતું કે, બાઈટડાન્સ અને માઈક્રોસોફ્ટ કંપની, TikTok પર ભવિષ્યમાં કરવામાં આવનારી કાર્યવાહીને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહી છે. જર્નલ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ TikTokએ આવનારા 3 વર્ષો દરમિયાન અમેરિકામાં 10 હજાર નોકરી ઉત્પન્ન કરવાની વાત પણ કહી છે. ટ્રમ્પના આ નિવેદન પહેલા જ TikTokની ખરીદી માટે માઈક્રોસોફ્ટ અને બાઈટડાન્સ વચ્ચે વાતચીત અંતિમ ચરણમાં હતી અને સોમવાર સુધી ડીલ થઈ જવાનું અનુમાન હતું. આ પહેલા જુલાઈમાં અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે, સરકાર ગોપનીયતાના ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને TikTok પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.

જોકે TikTokએ કહ્યું છે કે, તેમની પાસે ઉપભોક્તાઓના ડેટા સુરક્ષિત રહે છે અને તેને ચીની અધિકારીઓ સાથે શેર નથી કરવામાં આવતા. આ દરમિયાન ચીને અમેરિકાને કહ્યું છે કે, સરકારી તંત્ર દ્વારા ચીની કંપનીઓ પર દબાણ બનાવવાનું બંધ કરે. અમેરિકાના નાણા મંત્રી સ્ટીવ મ્નુચિને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, પ્રશાસન TikTokની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સમીક્ષા કરી રહ્યું છે, ત્યારબાદ આવશ્યકતા અનુસાર વિભાગ, TikTok પર કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સલાહ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp