રેસ્ટોરન્ટની ડીશમાં કાચ ભેળવી પછી માલિક પાસે રૂપિયા પડાવતા કપલની સ્ટોરી

PC: scmp.com

જો તમને રેસ્ટોરન્ટમાં જમતી વખતે ખાવામાં કંઇક અજુગતું જોવા મળે તો તમારું મન તે ખાવા પ્રત્યે અરુચિ બતાવશે. પીરસેલા ભોજનમાં કોઈ પણ અન્ય પદાર્થ મળી આવે ત્યારે રેસ્ટોરાંમાં ભારે હોબાળો મચી જાય છે, પરંતુ એક કપલે આ જ યુક્તિ અપનાવીને 17 રેસ્ટોરાં સાથે છેતરપિંડી કરી છે. આ કપલ રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનો ઓર્ડર આપતા હતા અને પછી તેમાં કાચના ટુકડા ઉમેરી દેતા હતા.

આ કપલ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા જતા, જઈને ખાવાનો ઓર્ડર આપતા અને પછી જ્યારે તેઓ તેને ખાતા ત્યારે તેમાં કાચના ટુકડા અને અન્ય પદાર્થો ઉમેરી દેતા હતા. માત્ર જમતી વખતે જ નહીં, પરંતુ કેટલીક વખત તે મોઢામાં કાચનો ટુકડો રાખતા અને પછી જીભ કપાઈ જવાનું નાટક કરતા. આ પછી શરૂ થતો હતો બ્લેકમેલિંગનો તબક્કો!

કાચનો ટુકડો બતાવીને હંગામો મચાવ્યા પછી દંપતી વળતરની માંગણી કરતા હતા. જો તેમ નહીં કરે તો પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપતા હતા. પોલીસ કેસમાં ફસાવાથી મોટું નુકસાન થવાના ડરને કારણે રેસ્ટોરન્ટ માલિકો પૈસા આપીને મામલો થાળે પાડતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દંપતીએ આ રીતે 17 રેસ્ટોરન્ટ માલિકોને છેતર્યા, પરંતુ જ્યારે કપલે ફરી એક રેસ્ટોરન્ટમાં આ જ ષડયંત્ર અમલમાં મૂક્યું તો તેનો ભાંડો ફૂટી ગયો.

30 માર્ચે આ કપલ પોતાના પહેલા ષડયંત્રમાં સફળ થયું, લગભગ બે મહિનામાં 16 રેસ્ટોરન્ટ આ કપલનો શિકાર બની, પરંતુ 17મી વખતે તેઓ પોતે જ ફસાઈ ગયા. હકીકતમાં, રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા કેમેરામાં તેમની સમગ્ર હોશિયારી કેદ થઈ ગઈ હતી. કેમેરામાં રેસ્ટોરન્ટ તરફથી ચેન અને જિઆંગ (દંપતીના નામ)ને 330 યુઆન (45 ડૉલર)નું મફત ભોજન આપતા અને વળતર તરીકે 1,000 યુઆન ચૂકવતા દર્શાવ્યા હતા. જો કે આ કેસમાં દંપતી કેવી રીતે પકડાયું તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

ચીનની એક કોર્ટે દંપતીને 22 મહિનાની જેલની સજા ફટકારી છે. રેસ્ટોરન્ટના માલિકને બ્લેકમેલ કરવા બદલ કપલને 11,000 યુઆન (1,500 ડૉલર)નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંપતી પર 10,000 યુઆન (1,400 ડૉલર)થી વધુની ઉચાપત કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

કેટલીક વ્યક્તિઓ અંગત લાભ માટે અન્ય લોકોનું શોષણ કરવા માટે કેટલી હદ સુધી જાય છે, આ ઘટના તેનું એક ઉદાહરણ સ્વરૂપ છે. આવા ગુનાઓ માત્ર નિર્દોષ પક્ષોને નુકસાન જ પહોંચાડતા નથી પરંતુ તેમના  વ્યવસાયમાં લોકોના વિશ્વાસને પણ નુકસાન પહોંચાડે છે. જેવી આ વિચિત્ર બાબત લોકોના ધ્યાન પર આવી તો કદાચ સમગ્ર ચીનની રેસ્ટોરન્ટ્સ રાહતનો શ્વાસ લઈ રહી હશે, પરંતુ આવા નાપાક ઈરાદાઓ ધરાવતા ગ્રાહકો સામે તકેદારી રાખવાની જરૂરિયાત હંમેશની જેમ મહત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp