સારવાર માટે ભારત આવેલા બાંગ્લાદેશના MP ગુમ, દીકરી સાથે 3 દિવસ પહેલા સંપર્ક કરેલો

PC: livehindustan.com

ભારત સારવાર માટે આવેલા બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનાર અચાનક ગુમ થઈ ગયા હતા. તેના કારણે તેના પરિવારના સભ્યો ચિંતિત છે અને તેને શોધી કાઢવા સરકારને અપીલ કરી છે. બાંગ્લાદેશના ઝેનેદાહ-4 મતવિસ્તારના અવામી લીગ પાર્ટીના સાંસદ અનવારુલ અઝીમ અનાર 12 મેના રોજ ભારત આવ્યા હતા.

56 વર્ષીય અનવારુલ અઝીમની પુત્રી મુમતરીન ફિરદૌસ ડોરીને મીડિયાને જણાવ્યું કે, ત્રણ વખત સાંસદ અને કાલીગંજ ઉપજિલ્લા એકમના પ્રમુખ અનવારુલ અઝીમ અનાર 12 મેના રોજ સારવાર માટે ભારત ગયા હતા. તેણે કહ્યું, 'અમે છેલ્લે ત્રણ દિવસ પહેલા અમારા પિતા સાથે સંપર્ક કર્યો હતો. અમે ખૂબ જ ચિંતિત છીએ.' અઝીમના અંગત મદદનીશ અબ્દુર રઉફે સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે તેમનો સંપર્ક કરવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ અસફળ રહ્યા.' અઝીમની બહેન તસ્લીમા ખાતૂને કહ્યું, 'અમે તેને શોધવા માટે સરકારના ઉચ્ચ સ્તરીયોને જાણ કરી છે.'

કોલકાતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનના એક અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'અનવારુલ અઝીમના ગુમ થવા સંબંધિત GD (સામાન્ય ડાયરી) શનિવારે નોંધવામાં આવી હતી.' પશ્ચિમ બંગાળના બારાનગર પોલીસ સ્ટેશન હેઠળના મંડલપારા લેનના ગોપાલ બિસ્વાસ નામના વ્યક્તિએ તેની નોંધણી કરાવી હતી.

અધિકારીએ કહ્યું કે, મિશને આ મામલો ભારતીય સત્તાવાળાઓ સાથે ઉઠાવ્યો છે. કાલીગંજ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન્ચાર્જ મોહમ્મદ અબુ અઝીફે કહ્યું, 'અમે અમારા વરિષ્ઠ અધિકારીઓને આ બાબતે જાણ કરી દીધી છે.' તેમણે જણાવ્યું કે, તેમના સ્ટેશન પર કોઈએ ફરિયાદ નોંધાવી નથી.

બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલે પત્રકારોને જણાવ્યું હતું કે, સાંસદ વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું, 'સાંસદ કોલકાતા ગયા છે. તેઓ પાછા આવશે. અમારી NSI કામ કરી રહી છે. ભારતીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. તેઓ સંસદના સભ્ય છે. તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. તે પાડોશી દેશ ભારતમાં ગયા છે. તે મ્યાનમાર ગયા નથી, જ્યાં લડાઈ ચાલી રહી છે. મને લાગે છે કે તેઓ પાછા આવશે.'

ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચના વડા મોહમ્મદ હારુન ઉર રશીદે જણાવ્યું હતું કે, સાંસદ અઝીમ ભારતમાં બાંગ્લાદેશી સિમ અને એક ભારતીય સિમનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેના બંને નંબર ક્યારેક ચાલુ રહે છે અને ક્યારેક બંધ થઇ જાય છે. આ મુદ્દે ભારતીય પોલીસ સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, અઝીમ સાથે શું થયું.

હારુને કહ્યું કે, 16 મેના રોજ સવારે અઝીમના ફોન પરથી તેના APS અને ઝેનેદાહ જિલ્લાના નેતા ALને કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. તેનું છેલ્લું લોકેશન મુઝફ્ફરાબાદમાં મળ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ભારતીય પોલીસના સંપર્કમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp