એવરેસ્ટ-MDHના મસાલા પર ભારતના પાડોશી દેશમાં પણ પ્રતિબંધ

PC: x.com

MDH અને એવરેસ્ટના મસાલા બનાવતી કંપનીઓને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતના પાડોશી દેશ નેપાળે પણ આ બંને કંપનીના મસાલાના વેચાણ પર પોતાના દેશમાં પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળનું પણ કહેવું છે કે આ પ્રોડક્ટ્સમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમિકલ્સ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સિંગાપોર અને હોંગકોંગ પણ આ કંપનીના મસાલા પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. એવી પણ ખબર આવી રહી છે કે, નેપાળ બાદ યુનાઇટેડ કિંગડમ પણ આ મસાલા પર બેન મૂકી શકે છે.

ભારતીય મસાલા કંપનીઓ MDH અને એવરેસ્ટની મુશ્કેલીઓ હજુ વધુ વધવાની છે. તાજેતરમાં સિંગાપોર અને હોંગકોંગે આ કંપનીઓ પર તેમના મસાલામાં જંતુનાશક દવાનું પ્રમાણ વધુ હોવાનો આરોપ મૂકીને પ્રતિબંધ મૂકી દીધો હતો. પણ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,  અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDA આ કંપનીઓના ઉત્પાદનો વિશે માહિતીભેગી કરી રહ્યું છે. FDAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એજન્સી અહેવાલોની જાણ છે અને વધારાની માહિતી એકત્ર કરી રહી છે. MDH અને એવરેસ્ટ મસાલાની માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ ખૂબ માગ છે. સરકાર આ કંપનીઓના ગુણવત્તાના ધોરણો પણ ચકાસી રહી છે.

તમે પણ ખાતા હોય તો કારણ જાણી લો

હોંગકોંગે ભારતની બે પ્રખ્યાત મસાલા બ્રાન્ડ્સ એવરેસ્ટ અને MDH પર પ્રતિબંધ મૂક્યો છે. આરોપ છે કે, આ મસાલાઓમાં 'પેસ્ટીસાઇડ' હોય છે જે કેન્સરનું જોખમ ઉભું કરે છે. ગયા અઠવાડિયે, સિંગાપોરે તેના બજારમાંથી એવરેસ્ટના ફિશ કરી મસાલાને પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હોંગકોંગ સરકારના એક વિભાગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS)એ ભારતીય મસાલાઓ પર એક રૂટિન સર્વે કર્યો હતો. 5 એપ્રિલના રોજ તેમણે સર્વેમાં જણાવ્યું હતું કે, ભારતીય બ્રાન્ડ MDHના મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથિલિન ઓક્સાઈડ જોવા મળે છે. હવે CFSએ આ મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ બહાર પાડી છે. તેમણે કહ્યું, 'CFSએ 'Tsim Sha Tsui' સ્થિત ત્રણ રિટેલ આઉટલેટ્સમાંથી MDH મસાલાના નમૂના એકત્ર કર્યા હતા. ત્યાર પછી ફૂડ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ રૂટીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરીક્ષણ પરિણામોમાં, મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યા છે. CFSએ આ અંગે વિક્રેતાઓને ચેતવણી આપી છે. અને તેમને તેનું વેચાણ બંધ કરવા પણ કહેવામાં આવ્યું છે. અને વિક્રેતાઓને આ ઉત્પાદનોને દુકાનોમાંથી દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સિંગાપોરના આદેશમાં પણ એવરેસ્ટના 'ફિશ કરી મસાલા'માં જંતુનાશકો હોવાનું બહાર આવ્યું છે. કંપનીના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જણાવાયું હતું. કેન્સર પર સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે આ જંતુનાશકને કાર્સિનોજેનિક પદાર્થ તરીકે વર્ગીકૃત કર્યું છે. તેઓ કહે છે કે, આ જંતુનાશકને કારણે સ્તન કેન્સરનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.

વર્ષ 2023માં, US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એવરેસ્ટના ખાદ્ય ઉત્પાદનો પણ સૅલ્મોનેલા માટે સકારાત્મક જણાયા હતા. સૅલ્મોનેલા એક બેક્ટેરિયા છે, જેના શરીરમાં પ્રવેશ કરવાથી ઝાડા અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ગયા અઠવાડિયે, સિંગાપોર ફૂડ એજન્સી (SFA)એ પણ MDH અને એવરેસ્ટના મસાલા સંબંધિત અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ મસાલાઓમાં મોટી માત્રામાં ઇથિલિન ઓક્સાઈડ જોવા મળે છે, જે માનવ વપરાશ માટે નથી. અહીં તમને જણાવી દઈએ કે, ઈથિલિન ઓક્સાઈડ એક પ્રકારનું પેસ્ટીસાઈડ છે. જો મનુષ્ય તેનું સેવન કરે છે તો તેને કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

ફૂડ રેગ્યુલેશનમાં જંતુનાશક અવશેષો અનુસાર, જંતુનાશક અવશેષો ધરાવતો ખોરાક માણસોને ત્યારે જ વેચી શકાય છે, જો તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય. જો તે મનુષ્યો માટે હાનિકારક જંતુનાશકો વેચતો પકડાય છે, તો તેને 50,000 ડૉલરનો દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp